રાજકોટઃ ગોંડલથી રાજકોટ ખાતે એક શ્રમિકના મૃતદેહને માનવ સેવા ટ્રસ્ટના પ્રફુલભાઈ રાજ્યગુરુએ એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવાની કાર્યવાહી હાથધરી હતી. પરંતુ આ એમ્બ્યુલન્સ રાજકોટમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ નજીક પહોંચતા, ત્યાં પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ દ્વારા એમ્બ્યુલન્સના ચાલકને માર મારવામાં આવ્યો હતો. આ પ્રકારના આક્ષેપ સાથે ડ્રાઈવર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
એક તરફ ટ્રસ્ટ દ્વારા લૉકડાઉનની પરિસ્થિતિમાં શ્રમિકનું મૃત્યુ થતા તેના પરિજનો સાથે આ મૃતકનો મૃતદેહ તેના વતન પહોંચાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા માનવતા નેવે મુકીને એમ્બ્યુલન્સ ચાલકને ઢોર મારવામાં આવતા ગોંડલના મોટાભાગના ટ્રસ્ટ દ્વારા લૉકડાઉનની પરિસ્થિતિમાં તમામ સ્થગિત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જો કે આ સમગ્ર મામલાની જાણ રાજકોટ પોલીસના DCP મનોહરસિંહ જાડેજાને થતાં તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ મામલે બુધવારે ગોંડલ રોડના ઇન્ચાર્જ પીએસઆઇ ધામાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.