- કોરોના વૅક્સીનને રાજકોટ અને ગાંધીનગરમાં ડ્રાયરન યોજાશે
- રાજકોટમાં કોરોના વૅક્સીનના ડ્રાયરન માટેની તૈયારીઓ
- કોરોના વૅક્સીનના ડ્રાયરન માટે ટ્રેનિંગ યોજાઇ
રાજકોટઃ ગુજરાતમાં કોરોના વેકસીનને લઈને બે શહેરમાં પ્રથમ ડ્રાયરન યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટ અને ગાંધીનગર શહેરનો સમાવેશ થાય છે. ત્યારે રાજકોટ ખાતે યોજાનારી કોરોના વૅકસીનના ડ્રાયરન માટેની ટ્રેનિંગ યોજવામાં આવી હતી. રાજકોટમાં મુખ્યત્વે પાંચ સ્થળે મનપા દ્વારા આ કોરોના વેકસીનને લઈને ડ્રાયરન યોજવામાં આવનાર છે. જેમાં પ્રથમ 25 લોકોને SMS દ્વારા જાણ કરવામાં આવશે.
પાંચ સ્થળોએ 25-25 લાભાર્થીઓને બોલાવામાં આવશે
રાજકોટમાં પાંચ સ્થળોએ કોરોના વૅક્સીન માટે ડ્રાયરન યોજાશે. જેની આજે (સોમવાર) આરોગ્ય કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં આરોગ્ય કેન્દ્ર ખાતેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમજ જે તે સેન્ટર ખાતે કોરોના વૅક્સીન લેવા આવનારા 25-25 લોકોને SMS દ્વારા જાણ કરવામાં આવશે. લાભાર્થીઓ કોરોના વૅક્સીન લેવા માટે જ્યારે સેન્ટર ખાતે આવશે ત્યારબાદ વધુ કામગીરી કરવામાં આવશે.
કોરોના વૅક્સીનના ડ્રાયરન માટે 250 કર્મચારીઓ લાગ્યા કામે
રાજકોટમાં યોજાનારી કોરોના વૅક્સીનના ડ્રાયરન માટે રાજકોટ મનપાના ડૉક્ટર, નર્સ સહિત અંદાજીત 250 જેટલા કર્મચારીઓ જોડાયા છે. જેમાં આવતીકાલથી (મંગળવાર) બે દિવસ સુધી કોરોના વૅક્સીન માટે ડ્રાયરન યોજવામાં આવશે. જેના માટે અલગ-અલગ પાંચ કેન્દ્ર ખાતેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે લાભાર્થીને કોરોના વૅક્સીન આપ્યા બાદ તેમણે 30 મિનિટ સુધી સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ ઘરે જવા દેવામાં આવશે.