રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-2019ના અનુસંધાને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તથા ભયમુક્ત અને તટસ્થ મતદાન થઈ શકે તે હેતુ સાથે જિલ્લામાં કામગીરીની શરૂઆત થઈ ગઈ છે.
આ ઉપરાંત, મતદારોને થતી પરેશાની અટકાવવા અને અસુરક્ષિતતા ઉભી કરતા માથાભારે તત્વો અને અગાઉ ગુનામાં સંડોવાયેલા હોય તેવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે તેવા ઇસમોને પાસા અને તડીપારની દરખાસ્ત કરવામાં આવી છે. આ સાથે જ 173 બુટલેગર્સ પર નશાબંધી અંગેના 93કેસ નોંધાયા છે. પ્રોહિબિશન ધારા હેઠળ 429 કેસ જિલ્લા પોલીસે શોધી કાઢ્યા છે.
સમગ્ર જિલ્લામાં પરવાનાવાળા 1150 હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરી લેવામાં આવ્યા છે. ગેરકાયદેસરના હથિયારો ધરાવતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરતા લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગેરકાયદેસર હથિયાર કબજે કરવામાં આવ્યું છે. તમામ કામગીરી ગત 10 માર્ચથી 26 માર્ચ સુધી કરવામાં આવી છે.
જિલ્લામાં વિદેશી દારૂ, હથિયાર, દારૂગોળો તથા અન્ય પ્રતિબંધિત ચીજ વસ્તુઓની હેરાફેરી રોકવા રાઉન્ડ-ધી-ક્લોક અલગ-અલગ જગ્યાઓ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે જિલ્લા કલેક્ટરના સંકલનમાં રહીને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 13 એફ.એસ.ટી. પણ કાર્યરત કરી દેવામાં આવી છે.