- રાજકોટમાં યોજાનારા ખેડૂત સંમેલનની મંજૂરી પોલીસે રદ્દ કરી
- 27 તારીખે યોજવાનું હતું ખેડૂત સંમેલન
- કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
રાજકોટઃ શહેરમાં બુધવારે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કિસાન સંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે પોલીસ દ્વારા મંજૂરી પણ આપવા આવી હતી. જોકે, મોડી સાંજે પોલીસ દ્વારા કિસાન સંમેલન યોજવાની મંજૂરી પરત ખેંચવામાં આવી છે. દિલ્હીમાં મંગળવારે ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન સર્જાયેલા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટમાં યોજાનારી ખેડૂત સંમેલનને પોલીસે નામંજૂર કર્યું છે.
27 તારીખે યોજવાનું હતું ખેડૂત સંમેલન
રાજકોટમાં કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા બુધવારે 27 તારીખે રાજકોટના નવા 150 ફુટ રીંગ રોડ, લાયન કીંગ વોટર પાર્ક સામે આવેલા ખેતરમા સૈરાષ્ટ્રના ખેડૂતોને જાગૃતિ માટે સભાનું આયોજન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જે બાબતે પોલીસ મંજૂરી મેળવવા પણ અરજી કરી હતી. જે સભામાં હાલમા કૃષિ અંગે 3 કાયદા પસાર થયેલા હોય, તે અંગે માર્ગદર્શન તથા જાણકારી આપવાના ઇરાદે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે આ ખેડૂત સંમેલનની મંજૂરી પરત ખેંચી છે.
દિલ્હીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંજૂરી રદ્દ
આ સમગ્ર મામલે રાજકોટ પોલીસના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે તે સમયે કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો સાથે બેઠક યોજી ત્યારે પોલીસે આ કિસાન સંમેલન અંગે મૌખિક ખાત્રી આપી હતી, પરંતુ મંગળવારના રોજ દિલ્હીમાં યોજાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ હાલ આચારસંહિતા હોય આ તમામ પરિસ્થિતિને લઈને રાજકોટમાં પોલીસ દ્વારા ખેડૂત સંમેલનને મંજૂરીને રદ્દ કરી છે.
સમગ્ર ગુજરાતમાંથી 100 ટ્રેક્ટર સાથે 600 ખેડૂતો દિલ્હી પહોંચ્યા, સરકાર ઉંઘતી ઝડપાઇ
દેશમાં કિસાન કાયદાનો વિરોધ કરતા ખેડૂતોનું પ્રદર્શન દિલ્હીમાં ચાલી રહ્યું છે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી 600 ખેડૂતો 100 ટ્રેક્ટર સાથે પહોંચ્યા છે. ગુજરાતમાં કૃષિ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતો દ્વારા દિલ્હી જવા માટેની રણનીતિ બનાવામાં આવી હતી.