રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 જુલાઈના રોજ રાજકોટના હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. PM મોદી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને પણ સંબોધન કરશે અને રોડ શો પણ યોજશે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા હાલ ડોમ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. PM નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
" વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. તેની સૂચનાઓ અમને મળી છે. જેના આધારે અમે કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં PM મોદી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કરે તે પહેલા તેઓ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ રેસકોર્સ ખાતે જન સભાને સંબોધન કરવાના છે. જો કે હજુ વડાપ્રધાન મોદીનો રાજકોટનો કાર્યક્રમ ફાઈનલ થયાની મોટાભાગની વિગતો સામે આવી નથી. પરંતુ વડાપ્રધાન મોદી રાજકોટમાં રોડ શો યોજે તેવી પણ શક્યતાઓ માનવામાં આવી રહી છે." - પ્રભવ જોશી, જિલ્લા કલેકટર, રાજકોટ
હિરાસર એરપોર્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ: જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે હિરાસર એરપોર્ટનું પ્રથમ ફેસનું કામ પૂર્ણ થઈ ગયું છે. માત્ર થોડીક પ્રાથમિક કામગીરી બાકી છે. જે પણ પૂર્ણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા રાજકોટના હીરાસર એરપોર્ટ ઉપર ઉતરાણ કરે તેવી વાત સામે આવી રહી છે. હાલ રાજકોટ હિરાસર એરપોર્ટની જવાબદારી એરપોર્ટ ઓથોરિટીને સોંપવામાં આવી છે. ત્યારે હવે આગામી તમામ નિર્ણયો એરપોર્ટ ઓથોરિટી દ્વારા લેવામાં આવશે.
રેસકોર્સ ખાતે કરશે સભા: ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ શહેરના કાલાવડ રોડ ઉપર બનેલા નિર્માણ પામેલા ડબ્બલ ડેકર બ્રિજનું પણ લોકાર્પણ કરે તેવી શક્યતાઓ છે. આ સાથે વડાપ્રધાન મોદી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કરશે અને ત્યારબાદ રોડ શો પણ યોજી શકે છે. હજુ આ કાર્યક્રમનું ફાઈનલ ટાઈમ ટેબલ જાહેર થયું નથી. પરંતુ ટૂંક સમયમાં વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.