રાજકોટઃ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થશે. દેશભરમાં હાલ ઉજવણીનો માહોલ છવાયો છે. ભગવાન રામને લઈને ગાયક કલાકારો પણ અલગ અલગ ભજન અને ધૂન બનાવી રહ્યા છે. તાજેતરમાં જ ઓસ્માન મીરે "શ્રી રામજી પધારે..." ભજન બનાવ્યું છે. આ ભજનના વખાણ વડા પ્રધાન મોદીએ કર્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં કહ્યું કે, અયોધ્યાનગરીમાં શ્રી રામજીના આગમન પર આપણને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ છે. એવામાં ઓસ્મના મીરનું મધુર રામ ભજન સાંભળીને તમને પણ દિવ્ય અનુભૂતિ થશે.
ઓસ્માન મીરની પ્રતિક્રિયાઃ વડા પ્રધાને સોશિયલ મીડિયામાં ઓસ્માન મીરના રામ ભજનની પ્રશંસા કરી છે. આ પ્રસંગે ઓસ્માન મીર બહુ ભાવુક થયા હતા. તેમણે વડા પ્રધાનને પણ ધન્યવાદ અને અભિનંદન પાઠવ્યા છે. મીરે પ્રભુ શ્રી રામ અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન થવાના છે તે પ્રસંગે સમગ્ર દેશ જ નહિ પરંતુ વિશ્વમાં વસતા ભારતીયોની લાગણીને ભજનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે.
મારા માટે આ ખૂબ જ સૌભાગ્યની વાત છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારા લખેલા અને કંપોઝ કરેલા રામ ભજનની સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી છે. આ અવસર પર હું તેમને પણ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. આગામી 22 જાન્યુઆરીએ રામ ભગવાન મંદિરમાં બિરાજમાન થશે તે પ્રસંગના આપણે સૌ સાક્ષી બનવા છીએ ત્યારે આ પ્રસંગના કારણે ભારત અને વિશ્વભરમાં જે માહોલ છવાયો છે તે માહોલને મેં આ ભજનમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે...ઓસ્માન મીર (લોકગાયક)
રાજકોટમાં ઉત્સાહઃ અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં રાજકોટમાં ઠેર ઠેર દિવાલો પર ભગવાન રામ અને અયોધ્યા મંદિરની કૃતિ બનાવામાં આવી છે. જ્યારે રાજકોટ ભાજપ દ્વારા "સેલ્ફી વિથ અયોધ્યા રથ" બનાવીને શહેરના અલગ અલગ વોર્ડમાં ફેરવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અનેક નામાંકિત કલાકારો દ્વારા પણ અવનવા ભજનો અને કૃતિઓ બનાવવામાં આવી રહી છે.