- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે 118 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 'લાઈટ હાઉસ' પ્રોજેક્ટ ઈ-ખાતમુહૂર્ત
- રાજ્ય મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે
- રૈયા સ્માર્ટ સિટી ખાતે રૂપિયા 118 કરોડના ખર્ચે લાઈટ 'લાઈટ હાઉસ'નું ઈ-ખાતમુહૂર્ત
રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે શહેર મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી ખાતે રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 'લાઈટ હાઉસ' પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમજ રાજ્ય મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.
લાઈટ હાઉસ પ્રોજેક્ટનું પીએમ મોદી કરશે ઇ-ખાતમુહૂર્ત
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સને 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે સને 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવેલ છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે. 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકીસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે.
પ્રોજેક્ટ અંતર્ગત 6 શહેરોમાં રાજકોટનો સમાવેશ
કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલા તેમજ ભારતમા અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલી છે. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ) ની પસંદગી કરવામાં આવેલ છે.
જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવાશે
ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં 6 જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણૂંક કરવામાં આવેલી છે. સમગ્ર કામગીરી MOUHA ના વડપણ હેઠળ BMTPC દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવનારી છે.
બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરાશે
રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 1.5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 1.5 લાખની સહાય આપવામાં આવનારી છે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 4.00 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનારી છે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂપિયા 118 કરોડના ખર્ચે EWS-II પ્રકારના 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે.
લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે
રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં 32 માં 45 મી. રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલી ૩ તળાવો પૈકી એક તળાવ પાસે આવેલો છે. આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીન અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, LED લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.