રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પ્રમાણમાં વીજચોરી થઈ રહી હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. છેલ્લા 9 મહિનામાં PGVCLની ટીમે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી રૂ.205.21 કરોડની વીજ ચોરી ઝડપી પાડી છે. જેમાં સૌથી વધુ વીજચોરી જામનગર જિલ્લામાં અને સૌથી ઓછી વીજ ચોરી બોટાદ જિલ્લામાંથી ઝડપાઈ છે. PGVCL દ્વારા એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 સુધી એમ 9 મહિના દરમિયાન 38,5062 જેટલા વીજ કનેક્શન ચેક કર્યા હતા. જે દરમિયાન 64751 જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી. જો કે માત્ર 9 મહિનામાં જ રૂ.205.21 કરોડની વીજ ચોરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
ક્યાંથી કેટલી વીજ ચોરી ઝડપાઈ: આ અંગે વિસ્તારથી વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં 6,132 જેટલા વીજ કનેશનમાંથી 1616.86 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 5,907 વીજ કનેક્શનમાંથી 1627.58 લાખની વીજ ચોરી, મોરબી જિલ્લામાં 4396 કનેકશનમાંથી 1283.97 લાખની વીજચોરી, પોરબંદરમાંથી 5,872 વીજ કનેક્શનમાંથી 1443.23 લાખની વીજચોરી, જામનગર જિલ્લામાં 6583 વીજ કનેક્શનમાંથી 2674.25 લાખની વીજચોરી, ભુજ જિલ્લામાં 2468 વીજ કનેક્શનમાંથી 813.28 લાખની વીજચોરી, અંજાર જીલ્લામાંથી 2748 વીજ કનેક્શનમાંથી 1824.02 લાખની વીજચોરી, જૂનાગઢ જિલ્લામાં 5954 વીજ કનેક્શનમાં 1310.21 લાખ બોટાદમાંથી 3499 વીજ કનેક્શનમાંથી 773.74 લાખ, ભાવનગરમાં 8203 વીજ કનેક્શનમાંથી 3076.59 લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 6979 વીજ કનેક્શનમાંથી 2117.8 લાખની વીજ ચોરી ઝડપાઈ છે.
PGVCLની ટીમનો સૌરાષ્ટ્ર-કચ્છમાં સપાટો: આ વીજચોરી સૌથી વધુ રહેણાંક વિસ્તારમાંથી ઝડપાઈ છે. જેમાં PGVCLની ટીમ દ્વારા 9 મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં ઔદ્યોગિક એકમમાંથી 336 કનેક્શનમાંથી 2783.82 લાખની વીજ ચોરી, જ્યારે રહેણાંક વિસ્તારમાં 54,040 વીજ કનેક્શનમાંથી 11,646.22 લાખની વીજચોરી, વાણિજ્ય વિસ્તારમાં 6310 વીજ કનેક્શનમાંથી 5100.31 લાખ અને ખેતી વાડી વિસ્તારોમાં 4029 વીજ કનેક્શનમાંથી 991.63 લાખની વીજ ચોરી ઝડપી પાડી છે.
મહત્વપૂર્ણ છે કે, વીજ ચોરી રોકવા માટે PGVCLની ટીમ દ્વારા સત્તત વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવે છે. તેમજ સૌથી વધુ વીજ ચોરી ગ્રામ્ય વિસ્તારોમાંથી ઝડપાઈ હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 9 મહિનામાં રૂ.205 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.