સમગ્ર રાજ્યમાં હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અલગ અલગ સેન્ટર પર મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.
ગત તારીખ 27 ડિસેમ્બરના રોજ મગફળી કેન્દ્ર પર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન ભૌમિક ફેફર, વિપુલ ક્લોલા, ભરત દોષી, અને યુવરાજસિંહ ઝાલા નામના ચારેય તલાટી મંત્રીઓ ગેરહાજર જણાઈ આવ્યા હતા. જે દરમિયાન તેમનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો નહોતો. જે કારણે રાજકોટ ઝોન બેના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા ચારેય તલાટી મંત્રી વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ચારેય તલાટી મંત્રીઓ કોઇપણ જાતની રજા કે જાણ કર્યા વગર ફરજ પર ગેરહાજર રહેતા આ કાર્યવાહી કરવામાં આવી છે. જે મામલે પડધરી પોલીસ વધુ તપાસ હાથ ધરશે. તાજેતરમાં જ રાજકોટમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ સામે આવ્યા બાદ એક ઇસમની પોલીસે ધરપકડ કરી હતી. જે મામલે પણ હાલ પોલીસ તપાસ ચાલુ છે. રાજકોટ વહીવટી તંત્ર મગફળીની ખરીદીની કામગીરી પર બાજ નજર રાખી રહ્યું છે.