રાજકોટ: ગોંડલમાં ખટારાસ્ટેન્ડ પાસે સાયન્સ સેન્ટર ભવનમાં કોરોના દર્દીઓની સારવાર માટે કોવિડ હોસ્પિટલ ખોલવામાં આવી હતી પરંતુ હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ નાસી જતા તબીબો મુંઝવણમાં મુકાયા છે. સ્ટાફ વગર હોસ્પિટલ ચલાવવી મુશ્કેલ હોવાથી હાલ હોસ્પિટલ બંધ કરી દેવાઇ છે.
આ વિશે ડો.પિયુષ સુખવાલા જણાવે છે કે સ્ટાફના અભાવે હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે. જો સ્ટાફની વ્યવસ્થા થશે તો ફરીવાર હોસ્પિટલ ચાલુ કરાશે. હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોના દર્દીઓને સ્થિતી નોર્મલ જણાતા તેમને રજા આપી દેવામાં આવી છે.
ત્રણ દિવસ પહેલા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બે વૃદ્ધના મૃત્યુ થતા ઉહાપોહ થયો હતો. એક વૃદ્ધના મૃતદેહને વ્યવસ્થિત પેક કર્યા વગર તેમના પરિજનોને સોંપી દેવાયો હતો જેને કારણે પરિજનો રોષે ભરાયા હતા.
આ બનાવને પગલે હોસ્પિટલનો નર્સિંગ સહીતનો પેરામેડીકલ સ્ટાફ ડરને કારણે નાસી ગયો હતો. આ હોસ્પિટલ શરુ કરાઇ તે સમયે જિલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારીઓ સહીત હાજર રહ્યા હતા પરંતુ હવે યોગ્ય મોનિટરીંગ ના અભાવે આખરે હોસ્પિટલને તાળાં લાગ્યા છે. એક બાજુ ગોંડલમાં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે એકમાત્ર કોવિડ હોસ્પિટલનું બાળમરણ થતા હવે ગોંડલના દર્દીઓને ફરી રાજકોટ દોડવું પડશે.