- ભક્તો જીવંતીકા માતાને ધરે છે પીઝા અને પાણીપુરીનો પ્રસાદ
- માતાજીને બાળકો ખૂબ જ પ્રિય છે
- માતાજીને બાળકોની પ્રિય વાનગીઓ ધરવામાં આવે છે
રાજકોટઃ શહેરના રજપૂત પરા વિસ્તારમા જીવંતીકા માતાનું મંદીર આવેલું છે. જીવંતીકા માતાનું વ્રત મહિલાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરે છે. રાજકોટમાં જીવંતીકા માતાનું મંદિર નિર્માણ 60 વર્ષ પહેલા થયું હતું. જ્યારે મંદિરનું નિર્માણ થયું તે સમયે બાળકોને પ્રિય એવી ચોકલેટ પ્રસાદના રૂપમાં આપવામાં આવતી હતી. હાલ આધુનિકરણની સાથે-સાથે બાળકોને પ્રિય વાનગીઓ એટલે કે પીઝા, હોટડોગ, પાણીપુરી બર્ગર, કોલ્ડ્રિંક્સ સહિતનો પ્રસાદ જીવંતીકા માતાને ધરવામાં આવે છે.
બાળકોના માતાજી જીવંતીકા મા
જીવંતીકા માતાએ બાળકોના માતાજી તરીકે ઓળખાય છે. જીવંતીકા માતાના વ્રતનો મહિમા સ્કંદ પુરાણમાં પણ છે. માતાજીને બાળકો ખૂબ જ પ્રિય છે. જેથી બાળકોને મનભાવતી પ્રસાદી માતાજીને ધરવામાં આવે છે. એટલે કે મંદિરમાં ચોકલેટ, પીઝા, હોટડોગ, પાણીપુરી, સેન્ડવીચ, કોલ્ડ્રીંક જે પણ બાળકોને મનભાવતી ચીજ વસ્તુઓ છે તેને માતાજીને પ્રસાદના રૂપમાં ધરવામાં આવે છે અને ત્યારબાદ આ પ્રસાદી પણ બાળકોને જ આપવામાં આવે છે. બાળકોને મનભાવતી પ્રસાદી મળતા તેઓ પણ ખૂબ રાજી થાય છે.
દર્શનાર્થે દેશ-વિદેશના ભક્તો આવે છે
રાજકોટમાં આવેલા જીવંતીકા માતાજીના દર્શન માટે દેશ-વિદેશમાંથી ભક્તો આવે છે. ત્યારે કેટલીક વાર અહીં આવતા ભક્તો પણ આશ્ચર્ય પામે છે કે અહીં જીવંતીકા માતાને પીઝા અને પાણીપુરી સહિતની વસ્તુઓનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જીવંતીકા માતાના મંદિરની વિશેષતાઓ હાલ મંદિરમાં કોઈપણ પ્રકારના નાણાં લેવામાં આવતા નથી. પરંતુ, મંદિર દ્વારા દર વર્ષે શહેરના અલગ-અલગ વિસ્તારમાં 100થી 200 જેટલી વિધવા મહિલાઓને જમાડવામાં આવે છે. તેમજ આ વિધવા મહિલાઓને દક્ષિણા પણ આપવામાં આવે છે. જ્યારે દર મહિને રાજકોટના અલગ અલગ સલ્મ વિસ્તારમાં રહેતા બાળકોને પણ પીઝા- હોટડોગ અને પાણીપુરી જેવા પ્રસાદ પણ મંદિર દ્વારા ખવડાવવામાં આવે છે.
મહામારીમાં મંદિર દ્વારા ગરીબોને કીટ વિતરણ
ચાલુ વર્ષે કોરોનાની મહામારી દરમિયાન પણ મંદિર દ્વારા શહેરમાં જરૂરિયાત મંદ લોકોને રાસનની કીટ પણ વિતરણ કરવામાં આવી હતી. મંદિરમાં માતાજીની ભક્તિ સાથે લોકોની સેવાના પણ કાર્યો કરવામાં આવે છે. દેશ વિદેશમાંથી ભક્તો આવે છે. જીવંતીકા માતાના દર્શને રાજકોટના રજપુત પરા વિસ્તારમાં છેલ્લા 60 વર્ષથી ગૃહ મંદિર તરીકે જીવંતીકા માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે દેશભરનું બાળકોના માતાજીનું આ પ્રથમ મંદિર પણ કહી શકાય છે. દેશ-વિદેશના ભક્તોમાં પણ હાલ રાજકોટમાં નિર્માણ પામેલા જીવંતીકા માતા મંદિર પ્રત્યેની અપાર શ્રધ્ધા અને આસ્થા જોવા મળે છે અને દેશ વિદેશમાંથી જ્યારે પણ સમય મળે એટલે અચૂક જીવંતીકા માતાના મંદિરે દર્શન માટે આવે છે. તેમજ પોતાના સંતાનના લાંબા આયુષ્ય માટે માનતા પણ રાખે છે.
અંધશ્રદ્ધા સામે જાગૃતતા
અહીં આવતા ભક્તો માનતા પણ એવી રાખે છે કે માતાજીની પાણીપુરીનો પ્રસાદ અથવા હોટ ડોગનો પ્રસાદ માતાજીને ધરાવી એટલે કે બાળકોની પ્રિય હોય તેવી જ વસ્તુઓની ધરાવવાની માનતા ભક્તો દ્વારા રાખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલીક જગ્યાએ માતાજીના નામ પર અંધશ્રદ્ધા પર ફેલાવવામાં આવતી હોય છે. જ્યારે રાજકોટના જીવંતીકા માતાના મંદિરમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળતું નથી. મંદિરના આચાર્ય એઇમ પ્રસાદ દવેએ જણાવ્યું હતું કે મંદિરમાં કોઈને પણ ધુણવા દેવામાં આવતા નથી, સાથે જ અહીં કોઈપણ પ્રકારના દાણા પણ જોવામાં આવતા નથી. જોકે ભક્તોમાં માતાજી પ્રત્યે શ્રદ્ધા વધારે હોય છે એટલે તેઓ માનતા રાખતા હોય છે પરંતુ અમે માતાજીની માનતા રાખવાની પણ ભક્તોને ના પાડીએ છીએ. જ્યારે ભક્તોને પણ અમે અંધશ્રદ્ધાથી દૂર રહેવાની સલાહ આપીએ છીએ.