રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે છે. પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસ કાર્યોની સાથે સૌરાષ્ટ્રના લોકોને જીવાદોરી સમાન સૌની યોજના સંબંધિત એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના હેછળ લિંક-3 પેકેજ 8 અને પેકેજ 9નું નિર્માણકાર્ય પૂર્ણ કરી લીધું છે.
![સૌરાષ્ટ્રનો ખેડૂત ત્રણ ઋતુનો પાક લેતો થયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-07-2023/19093935_03.jpg)
‘સૌની’ યોજના: 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ પ્રોજેક્ટને સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરશે. ‘સૌની’ એટલે ‘‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના’’. વર્ષ 2014માં આ યોજનાના કામોનો પ્રારંભ થયો. ‘સૌની’ યોજના અંતર્ગત નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી એક મિલિયન એકર ફીટ (43500 મિલિયન ઘનફુટ) પાણીને સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનું દૂરંદેશી આયોજન ઘડાયું હતું. યોજના મુજબ પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા ચાર પાઈપલાઈન લિન્ક દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 155 જળાશયો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય શરૂ થયું.
![1 લાખ લોકોને મળશે નર્મદાના પાણીનો લાભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-07-2023/19093935_01.jpg)
ફિડર એક્સટેન્શન લાઇન: SAUNI પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવેલ લિંક 3 પેકેજ 8 અને 9 થી સૌરાષ્ટ્રના 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે હવે નર્મદા નદીનું પાણી મળી શકશે. ઉલ્લેખનીય છે કે SAUNI પ્રોજેક્ટ અંતર્ગત લિંક-3ના પેકેજ 8 હેઠળ રૂ.265 કરોડના ખર્ચે ભાદર-1 અને વેરી બંધ સુધી 32.56 કિમી લંબાઈના 2500 મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન બિછાવવામાં આવી છે.
![પીવાના અને સિંચાઈના પાણીની સુવિધામાં વધારો થશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-07-2023/19093935_04.jpg)
લોકોને થશે મોટો ફાયદો: 57 ગામોના 75,000થી વધુ લોકોને પીવાના પાણી માટે અને 42,380 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે. આ જ રીતે, લિંક 3ના પેકેજ 9ની વાત કરીએ તો રૂ.129 કરોડના ખર્ચે આજી-1 બંધ અને ફોફલ-1 બંધ સુધી 36.50 કિમી લંબાઈની 2500 મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન બિછાવવામાં આવી છે. તેનાથી 38 ગામોના 23,000થી વધુ લોકોને પીવાના પાણી માટે અને 10,018 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે.
![6.279 કિ.મી. લંબાઇની પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-07-2023/19093935_05.jpg)
પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ: 'SAUNI' યોજના એ વડાપ્રધાન મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જ્યારે તેઓ રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા 7 વર્ષોમાં 1203 કિલોમીટર પાઇપલાઇન બિછાવવામાં આવી છે અને 95 જળાશયો, 146 ગામોના તળાવો અને 927 ચેકડેમ્સમાં કુલ અંદાજિત 71,206 મિલિયન ક્યુબિક ફીટ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનાથી લગભગ 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઇની સુવિધાઓમાં સુધાર થયો છે અને લગભગ 80 લાખની વસ્તીને પીના માટે મા નર્મદાના પાણી મળવા લાગ્યા છે.” જ્યારે વર્ષ 2016માં આ યોજનાના પ્રથમ તબક્કાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે લોકાર્પણ થયું અને રાજકોટના આજી સહિત સૌરાષ્ટ્રના 10 ડેમમાં મા નર્મદાના જળનું અવતરણ થયું હતું.
![1.8 કિલોમીટર પાઇપલાઇન નાખી જોડવામાં આવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-07-2023/19093935_02.jpg)
શું છે SAUNI યોજના?: SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવાદોરી સમાન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ, નર્મદા નદીમાં આવતા વધારાના 1 મિલિયન એકર ફીટ (43,500 મિલિયન ક્યુબિક ફીટ) પાણીને સૌરાષ્ટ્રના 11 દુકાળગ્રસ્ત જિલ્લાઓના 115 જળાશયોમાં ભરવાની યોજના છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવા પર 970થી વધુ ગામોના 8,24,872 એકર વિસ્તારને સિંચાઈ માટે અને 82 લાખ લોકોને પીવાના પાણી માટે નર્મદા નદીના પાણીની સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે રૂ.18,563 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા SAUNI પ્રોજેક્ટનું 95% કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, અને બાકીનું કાર્ય પણ ઝડપી ગતિએ પૂર્ણ થઈ જશે.
પાણીની સમસ્યાનું નિવારણ માટે યોજના: ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારની ભૌગોલિક સંરચના એવી છે કે અહીંયા ભૂગર્ભ જળનું સ્તર પણ ઘણું ઓછું છે અને જળાશયોની સંગ્રહ કરવાની ક્ષમતા પણ ઓછી હોવાના કારણે વરસાદનું પાણી પણ વધુ માત્રામાં સંગ્રહ કરી શકાતું નથી. તેમજ આ વિસ્તારમાં મોટાભાગના વર્ષોમાં વરસાદ પણ ઓછો પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ SAUNI પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી અને આજે તે સૌરાષ્ટ્રના લોકો માટે જીવાદોરી સમાન પ્રોજેક્ટ સાબિત થઇ રહ્યો છે.
સૌરાષ્ટ્રના અલગ અલગ ડેમોને જોડવામાં આવ્યા:
- લિન્ક-1 - મોરબી જિલ્લાના મચ્છુ-2 બંધથી જામનગર જિલ્લાના સાની બંધ સુધી (208 કિલોમીટર).
- લિન્ક-2 - સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ભોગાવો-2 બંધથી અમરેલી જિલ્લાના રાઇડી બંધ સુધી (299 કિ.મી.)
- લિન્ક-3- સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા બંધથી રાજકોટ જિલ્લાના વેણુ-1બંધ સુધી (299કિ.મી.)
- લિન્ક-4 - સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-2 બંધથી જુનાગઢ જિલ્લાના હિરણ-ર બંધ સુધી (565 કિ.મી.) આમ ચાર લિન્ક થકી 970થી વધુ ગામની 8,24,872 એકર જમીનને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થાય તે માટેની નક્કર અને મહત્વાકાંક્ષી કામગીરી શરૂ થઈ હતી.
'ગુજરાતની નર્મદા નદી પર ડેમ બનાવવામાં આવ્યો છે. આ નર્મદા ડેમમાંથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પાણી પહોંચાડવા તત્કાલીન સીએમ અને અત્યારના પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી. તેના થાકી સૌરાષ્ટ્રના મોટા મોટા જળાશયોને ભરવામાં આવે છે. જેના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી સૌરાષ્ટ્ર ભરના ખેડૂતોને સીધો લાભ થયો છે. અગાઉ વિવિધ ડેમોના પાણી ઉનાળા દરમિયાન પીવા માટે અનામત રાખવામાં આવતા હતા પરંતુ સૌની યોજના આવ્યા બાદ હવે ખેડૂતોને ઉનાળા દરમિયાન પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે.' -દિલીપ સખીયા, ખેડૂત આગેવાન, રાજકોટ