માર્કેટ યાર્ડમાં ડુંગળીની બંધ આવક વચ્ચે ડુંગળીના માલની અછત હોવાથી ડુંગળીના ભાવમાં તેજીનો માહોલ વચ્ચે રૂપિયા 200 થી લઈને 400 સુધીનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે જ સોમવારે ગોંડલ માર્કેટ યાર્ડમાં હરરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ રૂપિયા 1000 થી લઈને 1600 સુધીના બોલાયા હતાં અને દેશભરમાં નિષ્ફળ ગયેલા ડુંગળીના પાક અને માલની અછત વચ્ચે ગુજરાતમાં એક માત્ર ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીથી ઉભરાય રહ્યું છે. દેશભરના યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, બંગાળ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે.
ડુંગળીના ભાવમાં આગ ઝરતી તેજીને કારણે ખેડૂતોને આ વર્ષે ડુંગળીના વ્યાપક પ્રમાણમાં ભાવ તો મળી રહ્યાં છે, પરંતુ કહેવાય છે કે, મોટા ભાગે ખેત પેદાશોના ભાવ જ્યારે ખેડૂતોના ઘરમાં માલ ન હોય ત્યારે જ હોય છે. તેમ છતાં છેલ્લા બે વર્ષથી ડુંગળીના ઉત્પાદનમાં નુકસાની કરતાં ખેડૂતોને આ વર્ષે ડુંગળીના ખૂબ જ સારા ભાવ મળી રહ્યાં હોવાનું માર્કેટ યાર્ડના સતાધીશો જણાવી રહ્યાં છે.