- રાજકોટ અગ્નિકાંડ ઘટના, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ
- સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત, મૃત્યુઆંક છ થયો
- રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મૃત્યુ આંક છએ પહોંચ્યો
રાજકોટઃ શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં વધુ 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જેને લઈને રાજકોટમાં સર્જાયેલી અગ્નિકાંડમાં મૃત્યુ આંક છએ પહોંચ્યો છે. જ્યારે આ મામલે અત્યાર સુધીમાં 5 ડૉક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. જેમની ધરપકડ બાદ કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જો કે હોસ્પિટલમાં આગ લાગવાનું હજુ સુધી સ્પષ્ટ કારણ પણ બહાર આવ્યું નથી. ત્યારે અગાઉ પાંચ દર્દીઓના મોત થયા બાદ વધુ 1 દર્દીનું મોત થતા હાહાકાર મચ્યો છે.
અગ્નિકાંડમાં વધુ એક દર્દીનું મોત
રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં અગાઉ 5 દર્દીઓના મોત થયા હતાં. ત્યારે હોસ્પિટલમાં આગની ઘટનામાં બચી ગયેલા કોવિડ દર્દીઓને વધુ સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે ગાંધીધામના થાવરભાઈ મહેશ્વરી નામના 66 વર્ષના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. આમ અગ્નિકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં 6 દર્દીઓના ભોગ લેવાયા છે. જેને લઈને રાજકોટ સહિત રાજ્યભર હાહાકાર જોવા મળી રહ્યો છે.
હજુ સુધી રાજ્ય સરકારને તપાસનો નથી સોંપાયો રિપોર્ટ
અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને સોંપવામાં આવી હતી. ત્યારબાદ એ.કે રાકેશ પણ રાજકોટ ઉદય કોવિડ હોસ્પિટલ માટે આવ્યા હતા અને અહીં અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ મામકે બે દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાની પણ તેમને જાહેરાત કરી હતી. જો કે ઘટનાનો એક અઠવાડિયા જેટલો સમય વીત્યા છતાં હજુ સુધી કોઈ પણ માહિતી સામે આવી નથી.
હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ અકબંધ
ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવ્યા બાદ પ્રાથમિક તપાસમાં ICUમા મશીનરીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની વાત સામે આવી હતી. જ્યારે FSL અને મનપાના ફાયર વિભાગ તેમજ PGVCLની ટિમ દ્વારા પણ અહીં તપાસ કરવામાં આવી હતી. જો કે આ અલગ અલગ ટિમો દ્વારા તપાસ કરી હોવા છતાં હજુ સુધી રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.