રાજકોટ : કોરોનાના કહેર અને લૉકડાઉનના કપરા સમયમાં ગોંડલ તાલુકાના મોવિયા ગામે શ્વાનો સાથે એકલા રહેતા મહિલાની દરિયાદિલી જોવા મળી છે. વૃદ્ધાએ શ્વાનોને કહ્યું કે, ઘરમાં અન્ન ખૂટ્યું છે કાલથી તમારે ને મારે ઉપવાસ શરૂ થશે. આ વાતની ગોંડલના સેવાભાવીઓને ખબર પડતાં સહાયનો ધોધ વહ્યો હતો.
કોરોનાના કહેર અને લૉકડાઉનના કપરા સમયમાં સામાજિક સંસ્થાઓ અને સરકાર શ્રમિક ગરીબોની વહારે આવી છે. પરંતુ ઘણી જગ્યા એવી હોય છે કે, લોકો હાથ લંબાવી શકતા નથી અને સહાય લેવામાં સંકોચ અનુભવે છે. ગોંડલ તાલુકાના મોવિયા ગામના સીમાડે એકલા રહેતા લાભુબેન ઝાખરીયા ઉ.વ. 80 આમ જોઈએ તો પરિવાર ખૂબ મોટો છે. લાભુબેનની સાથે તેના પરિવાર સમાન 8 થી 10 શ્વાનની ફોજ રહે છે.
લાભુબેન પાસે આવકનું કોઈ સ્ત્રોત નથી, માત્ર સસ્તા અનાજની દુકાનેથી આવતા રાશનમાંથી ઘર ગુજરાન ચલાવી રહ્યાં છે. અહીંથી જ તેમના દરિયાદિલીની શરૂઆત થાય છે. આ રાશનથી પહેલા તેઓ શ્વાનન જમાડે છે અને પછી પોતે જમે છે. પરંતુ હાલમાં ઘરમાં અનાજ ખૂટયું હોવાથી શ્વાન સમા પુત્રોને કહ્યું કે, આવતીકાલથી મારે અને તમારે ઉપવાસ શરૂ થશે. જે વાતની જાણ ગોંડલમાં ’હરિયાળુ ગોંડલ’ નામે ગ્રુપ ચલાવતા પ્રતિપાલસિંહ જાડેજા, જીગ્નેશભાઈ વોરા, કેવિનભાઈ પટેલ, દિપકભાઈ દેસાઈ અને અશરફભાઈ સહિત તુરંત દોડી આવ્યા હતા. શ્વાનના લાડુ, રાશન કિટ લાભુબેનને આપી હતી.
એક ઓરડી કહો કે ઝૂપડપટ્ટીમાં રહેતા લાભુબેન પ્રથમ તો સેવાભાવી યુવાનોને ચા પાણી માટે ક્હયું હતું, અને બાદમાં કહ્યું કે આજ મારો પરિવાર છે સેમૂડી, ભૂરી, લાલિયો અને છ ગલુડિયા મારા સંતાનો છે. તે સેમૂડી અને ભુરી મારી સાથે જ ખાટલામાં સુએ છે અને ગલુડિયાઓ ખાટલા નીચે સુવે છે. જ્યારે દરવાજે લાલિયો રખોપુ કરે છે. આવા દરિયાદિલ લાભુબેનની વાતો સાંભળી સેવાભાવી યુવાનોને લાભુબેન માટે સમ્માન વધી ગયું હતું.