રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા તાજેતરમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. એવામાં આજે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડથી વધુમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે સ્ટેન્ડિંગ બેઠકમાં કુલ 47 દરખાસ્તો મૂકવામાં આવી હતી. જેમાંથી 5 દરખાસ્તોને પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
30 કરોડથી વધુના કામ મંજૂર : સમગ્ર મામલે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં કુલ 47 જેટલી દરખાસ્તો મૂકવામાં આવી હતી. જેમાં રૂ.30 કરોડથી વધુના કામોને મંજૂર કરવામાં આવ્યા છે.
5 દરખાસ્તોને આ બેઠકમાં પેન્ડિંગ રાખવામાં આવી છે. આ સાથે જ બે હોડિંગ્સની દરખાસ્તો પણ આવી હતી. જેમાં 5 વર્ષની હોર્ડિંગની મંજૂરી માંગવામાં આવી હતી. ત્યારે અમે તેના ઘટાડો કરીને 3 વર્ષની મંજૂરી આપી છે. જેના કારણે કોર્પોરેશનના આ હોડિંગ્સના કારણે દર વર્ષે અંદાજિત 6 કરોડ રૂપિયાની આવક થશે. ત્યારે પાંચ જેટલી દરખાસ્ત મામલે આગામી દિવસોમાં અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે...જયમીન ઠાકર (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, રાજકોટ મનપા )
5 દરખાસ્તો કેમ પેન્ડિંગ રાખવામાં આવી : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વધુમાં જણાવ્યું હતું જે રાજકોટમાં જૂના મકાનોનો સર્વે કરવા અંગેની દરખાસ્ત હતી. જેમાં એક જ એજન્સીએ આ કામ અંગેનો કોન્ટ્રાકટ માંગ્યો હતો. પરંતુ આ એજન્સીના ભાવ અમને અનુકૂળ ન આવતા તેને હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. આ સાથે જ વરસાદ દરમિયાન રાજકોટના ત્રણેય ઝોનમાં ખાડાઓ પડે છે. આ ખાડા બુરવા માટેના કામ માટે પણ એક જ એજન્સીએ કામ માંગ્યું હતું પરંતુ તેના ભાવ પણ યોગ્ય ન હોવાના કારણે આ કામની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે.
ટિકીટ ભાડાને વધારવાનો નિર્ણય : ઉલ્લેખનીય છે કે મનપા સંચાલિત બસોમાં ટિકીટ ભાડાને વધારવાનો નિર્ણય લેવામાં લેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે જયમીન ઠાકરે જણાવ્યું હતું કે હું અધિકારીઓ સાથે વાતચીત કરીશ અને ભાડા અંગેનો યોગ્ય નિર્ણય લેવાય તે દિશામાં મારા પ્રયત્નો રહેશે.