રાજકોટ: રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા 24 કલાક શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા 15 દિવસમાં 522 જેટલા પશુઓને પકડવામાં આવ્યા છે. જ્યારે આગામી દિવસોમાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ઓછો થાય તે માટે કોર્પોરેશન તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
"કોર્પોરેશન દ્વારા નિયમિત રીતે રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા પણ પરિપત્ર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં દિવાળી સહિતના મહત્વના તહેવારો આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ માલધારી સમાજની છેલ્લા ઘણા સમયથી માંગણી હતી કે તેમના ઢોરને કોઈ નુકસાની ન થવી જોઈએ. જેના માટે અતિ આધુનિક એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવે, જેને લઇને કોર્પોરેશન દ્વારા આ દિશા તરફ કામગીરી કરવામાં આવી રહી છે." - જયમીન ઠાકર, સ્ટેન્ડિંગ કમિટી, ચેરમન, રાજકોટ
ઢોર પકડવાની 3 ટીમો કાર્યરત: હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 24 કલાક ઢોર પકડવાની કામગીરી શરૂ છે. જેમાં તારીખ 17 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધીમાં કોર્પોરેશન દ્વારા 500 કરતાં વધુ રસ્તે રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા બે દિવસમાં 129 જેટલા પશુઓ પાંજરે પુરાયા છે. કોર્પોરેશન દ્વારા 24 કલાક દરમિયાન ત્રણ શિફ્ટમાં કામ કરવામાં આવે છે. જેમાં સવારે 6 ટીમો જ્યારે બપોરે પણ 6 ટીમોને રાત્રિના 3 ટીમો સતત ઢોર પકડવાની કાર્યવાહી કરી રહી છે.
રાજ્ય સરકાર પાસે કોર્પોરેશન દ્વારા એનિમલ હોસ્ટેલ માટે, પશુઓને પકડવા માટેના વાહનો તેમજ કર્મચારીઓ માટે બોડી વોર્ન કેમેરા સહિતની વસ્તુઓ માટે અંદાજિત 36 કરોડ કરતાં વધુની રકમ માંગવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા પણ 80 કરતાં વધુ પોલીસ જવાનોને ઢોર પકડ પાર્ટી સાથેની કામગીરીમાં ફાળવવામાં આવ્યા છે. જેને લઇને આગામી દિવસોમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ શહેરમાં ઓછો થાય તે પ્રકારની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે.