રાજકોટ: હીરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઇ ગયું છે. એક અઠવાડિયા પહેલા આ એરપોર્ટ મુસાફરો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પરંતુ એરપોર્ટ ઉપર પ્રાથમિક પાયાની સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવતાં આ મામલો વધુ વકર્યો હતો. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પણ એરપોર્ટ મામલે ખુલાસો કર્યો હતો. હવે સાંસદ રામ મોકરીયાએ રાજકોટના નવા એરપોર્ટની મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
કેમ થયો વિવાદ: જાણીતા લેખક જય વસાવડાએ સોશિયલ મીડિયામાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે એરપોર્ટ પર થયેલ અસુવિધા અંગે જણાવ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટથી 30 કિલોમીટર દૂર છે. એરપોર્ટ ખાતે પાર્કિંગની સુવિધાઓમાં પણ મુસાફરોને મુશ્કેલીઓ પડી રહી છે, તો ટોઈલેટમાં પાણીનો પણ અભાવ છે. આ વીડિયો વાયરલ થતાં હાલ ભારે વિવાદ સર્જાયો છે.
"રાજકોટનું નવું એરપોર્ટ એ PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. આ એરપોર્ટનું લોકાર્પણ થઈ ગયું છે. રાજકોટનું જૂનું એરપોર્ટ નવા એરપોર્ટ ખાતે શિફ્ટ પણ થઈ ગયું છે. પરંતુ નાની મોટી કોઈ સમસ્યા છે તે મામલે મેં એરપોર્ટ ડાયરેક્ટરને સૂચનાઓ પણ આપી છે કે ત્યાં પીવાનું પાણી, ટોયલેટમાં પાણી ન આવતું હોય અથવા તો પાર્કિંગની જે પણ કોઈ નાની મોટી સમસ્યા છે તેનું ટૂંક સમયમાં જ સમાધાન થઈ જશે છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મેઈન બિલ્ડિંગ છે તે પણ બની જશે. મુસાફરોને કોઈ પણ અગવડતા સર્જાશે નહીં." - રામ મોકરીયા, રાજ્યસભા સાંસદ
ટૂંક સમયમાં જ સમસ્યાનો ઉકેલ આવશે: રામ મોકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ સરકાર લેવલનો પ્રશ્ન છે કે તેનું લોકાર્પણ વહેલા કરવામાં આવ્યું કે પછી અહીં સગવડો ઓછી છે. મારું એવું માનવું છે કે આ એરપોર્ટ એટલા માટે વહેલું શરૂ કરવામાં આવ્યું છે કે માર્ચ સુધીમાં આ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ થઈ શકે. જ્યારે આ એરપોર્ટનો રેલવે પણ ત્રણ કિલોમીટર લાંબો છે. તેમજ અંદરની વ્યવસ્થા ખૂબ જ સારી છે. પરંતુ જો કોઈ અધિકારીથી કંઈ ભૂલ થઈ હોય તો તે ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે.