રાજકોટ: ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર સવારથી ગરમી તેમજ ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.
કડાકા ભડાકા સાથે વરસાદ: રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તે મુજબ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં બીજા નંબરનો સૌથી વધુ વરસાદ ઉપલેટામાં પડ્યો હોવાની પણ વિગતો સામે આવી છે. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર બપોરના સમયે શરૂ થયેલા વરસાદની સાથે સાથે જોરદાર કડાકા ભડાકા સાથે ભયભીત કરી દે તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા.
ખેડૂતોમાં ખુશીનો માહોલ: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકો સવારથી ગરમી તેમજ બફારો સહન કરી રહ્યા હતા. જ્યારે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈને પ્રભુને પ્રાર્થના કરતા હતા. જેમાં બપોરના સમયે કાળા ડિબાગ છવાયેલા વાદળો મન મૂકીને ધોધમાર રીતે વરસતા લોકોને ગરમી સામે રાહત મળી છે. ખેડૂતોએ વાવેતર કરેલા મોલની અંદર વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ધોધમાર વરસાદને કારણે ઉપલેટા શહેર તેમજ ઘણા ગ્રામ્ય વિસ્તારોની અંદર વીજ પુરવઠો ખોરવાયો હોવાની પણ વિગતો સામે આવી છે.
ધોરાજીમાં સૌથી વધુ વરસાદ: રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધોરાજી વિસ્તારની અંદર પડ્યો હોવાની વિગતો સામે આવી છે. ત્યારે સૌથી ઓછો વરસાદ જસદણ વિસ્તારમાં પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર 28 જૂન 2023 ના રોજ બપોરના 02:00pm વાગ્યા સુધીમાં પડેલા વરસાદ અંગેની કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીઓ અનુસાર રાજકોટ જિલ્લાના પડધરીમાં 132 mm, રાજકોટ શહેરમાં 171, લોધિકામાં 244, કોટડા સાંગાણીમાં 119 mm, જસદણમાં સૌથી ઓછો 35 mm, ગોંડલમાં 114 mm, જામકંડોરણામાં 199 mm, ઉપલેટામાં 247 mm, ધોરાજીમાં જિલ્લાનો સૌથી વધુ એટલે કે 250 mm, જેતપુરમાં 163 mm તેમજ વિછીયામાં અંદર 47 mm વરસાદ પડ્યો હોવાની માહિતીઓ આપવામાં આવી છે.