કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ સરકારના આ નિર્ણય અંગે બે અલગ અલગ અભિપ્રાયો સાંભળવા મળ્યા છે. રાહુલ ગાંધી, અધીર રંજન, મનિષ તિવારી સહિતના નેતાઓએ આ નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો છે. જ્યારે રણજીત રંજન, જર્નાદન દ્રિવેદી સહિતના કેટલાક નેતાઓ સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે.
ગુજરાતમાં પણ નિર્ણયની તરફેણનો સૂર ઉઠ્યો છે. જેની શરુઆત ધોરાજી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કરી છે. લલિત વસોયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, કાશ્મીર મુદ્દે રાષ્ટ્રહિતમાં કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તે યોગ્ય છે. આ મુદ્દા ઉપર ગુજરાતમાં પહેલીવાર કોંગ્રેસી ધારાસભ્યે જાહેરમાં ભાજપના નિર્ણયને યોગ્ય ગણાવી તેની પ્રશંસા કરતા રાજકારણ ગરમાયુ છે.