- ગોંડલ-જેતપુર માર્કેટયાર્ડના વેપારી એસોસિએશન તેમજ દલાલ મંડળે આપ્યું બંધને સમર્થન
- ગ્રામ્ય વિસ્તારો સ્વયંભૂ બંધ રહ્યા
રાજકોટ: ભારત બંધના એલાનને ગોંડલ-જેતપુર માર્કેટયાર્ડમાં વેપારી એસોસિએશન અને દલાલ મંડળે બંધના એલાનને સમર્થન આપ્યું હતું. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા. નેશનલ હાઇવે પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉપલેટા તાલુકાનું ભાયાવદર ગામ સજ્જડ બંધ
નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ભારત બંધ એલાનને ભાયાવદર ગામમાં સમર્થન આપી સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો.
ધોરાજીમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ
ભારત બંધના એલાનને લઈને ધોરાજી શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ધોરાજી શહેરના અમુક વિસ્તારોમાં દુકાનો બંધ તો અમુક વિસ્તારમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી. ધોરાજી શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
ગોંડલમાં રાજુ સખીયા, ભાવેશ ભાષા, રાજુ ચોવટીયા સહિતના કોંગ્રેસના અને સામાજીક આગેવાનોની અટકાયત કરવામાં આવી. અટક કરાયેલા કોંગ્રેસ કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારત બંધના એલાનને પગલે ગોંડલ માર્કેટ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ રાખીને દલાલ અને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના ભારત બંધના એલાનને ગોંડલના ગ્રામ્ય વિસ્તાર મોવિયા, દેરડી (કુંભાજી) ગામે સજ્જડ બંધ પાળીને રોષ વ્યક્ત કર્યો હતો.
જેતપુર, જસદણ, અને આટકોટમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો
જસદણ, જેતપુર શહેરમાં મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી અને બીજી તરફ જેતપુર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશન ભારત બંધના એલાનના સમર્થનમાં જોડાયા હતા અને આટકોટમાં જસદણ ચોકડી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, આટકોટમાં પણ ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ભારત બંધના એલાન ને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ગોંડલ શહેરની મુલાકાત લીધી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને રાજકોટ - ઉપલેટા નેશનલ હાઈવે પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારમાં દુકાનો બંધ જોવા મળી હતી.
આ પણ વાંચો: ભારત બંધઃ ધાનાણી અને પોલીસ વચ્ચે તુ તુ મેં મેં, ધાનાણીએ કહ્યું- ‘મને કોરોના થશે તો હું ફરિયાદ કરીશ, મને અડતા નહીં’