- રાજકોટ રેલવે તંત્ર દ્વારા ઓવર બ્રિજ નીચે ડિમોલેશન
- રેલવે ટ્રેકની આસપાસ હતું ગેરકાયદેસર રીતે દબાણ
- અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલાં જ રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી
રાજકોટ : રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા ઓવર બ્રિજ નીચેથી ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 100 કરતા વધારે ઝૂંપડાઓ રેલવે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. છેલ્લાં કેટલાય સમયથી આ વિસ્તારમાં રેલવે ટ્રેકની આસપાસ ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવી રહ્યું હતું. અહીં ગેરકાયદેસર દબાણ વધતા કોઈ મોટી અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલાં જ જેને રેલવે તંત્ર દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી હતી.
રેલવે પોલીસની સાથે સ્થાનિક પોલીસને સાથે રખાઈ
રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા ઓવર બ્રિજ નીચે છેલ્લાં કેટલાંય સમયથી ગેરકાયદેસર રીતે ઝૂંપડાઓ બાંધીને લોકો વસવાટ કરતા હતા. જેને લઈને રેલવે તંત્ર દ્વારા 10 દિવસ અગાઉ જ આ લોકોને ગેરકાયદેસર દબાણની જગ્યા ખાલી કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ તેઓ દ્વારા રેલવેની જગ્યા ખાલી કરવામાં નહી આવતા અંતે આજે વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં રેલવે પોલીસ તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી.