- કોરોનાના વોર્ડમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ લઈ અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યું અનુભવનું ભાથું
- વિદ્યાર્થીઓ સિવિલમા નિર્ભીક બની કરે છે દર્દીઓની સારવાર
- મેડીકલના વિદ્યાર્થીઓએ કર્યા પોતાના અનુભવો શેર
રાજકોટ: કોવિડ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર્સ સાથે ખભેખભો મિલાવી મેડિકલના વિદ્યાર્થીઓ પણ કોરોનાના દર્દીઓની સારવારમાં મદદરૂપ થઈ રહ્યા છે. કોરોનાના દર્દીઓ પાસે જતા પણ ડર લાગતો હોય છે. ત્યારે આ વિદ્યાર્થીઓ સિવિલમા નિર્ભીક બની દર્દીઓની સારવાર સાથોસાથ આત્મીય બની તેમને માનસિક સધિયારો આપવાનું પણ નિભાવી રહ્યા છે.
MBBSના ફાઈનલ યરની વિદ્યાર્થીની પંક્તિ શાહ કહે છે કે, દર્દીઓની જેટલા પ્રેમથી સારવાર કરીએ તેટલી ઝડપથી તેમની રિકવરી થાય છે, તેવું મેં અનુભવ્યું છે. અમે દર્દીઓ સાથે તેમના પરિવારની જેમ વર્તાવ કરતા તેઓને તે ખુબ ગમતું. ઇન્ટર્ન તરીકે ઘણી જવાબદારી અમને સોંપવામાં આવી હતી. જે તાલીમ અમને અહીં આપવામાં આવી છે તે અભ્યાસથી વિશેષ છે. આ અનુભવ અમારા માટે ડોક્ટર તરીકેની કારકિર્દીનો મજબૂત પાયો બની રહેશે. રિશીતા ઝીંઝુવાડિયા દર્દીઓની સારવારમાં ઓતપ્રત થઈ જતા કહે છે કે, અમે ડ્યુટી દરમિયાન ઘરે પણ નથી જતા. ઘરના લોકો સાથે માત્ર ફોનથી વાત કરી લઇએ છીએ. ખાસ કરીને સિનિયર ડોક્ટર્સની ટીમ સાથે આઈ.સી.યુ. માં પ્રેક્ટિકલ ટ્રેનિંગની એ.બી .સી.ડી. અમને થોડા જ સમયમાં શીખવા મળી છે.
કોરોના વોર્ડમાં ફરજ સોંપવામાં આવતા લાગ્યો ડર
આ અંગે વિદ્યાર્થીની ઈશા મીંજરોલા પણ પી.ડી.યુ મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે, તેઓ જણાવે છે કે જયારે કોરોના વોર્ડમાં ડોકટરના સહાયક તરીકે અમને ફરજ સોંપવામાં આવી ત્યારે ખુબ ડર લાગ્યો હતો. પરંતુ જયારે દર્દીઓની સારવારમાં મોટા પ્રમાણમાં સ્ટાફની જરૂર જણાતા એક ડોક્ટરનું કર્તવ્ય અમે સમજી સારવારમાં જોડાયા, હવે અમારો ડર બિલકુલ નીકળી ગયો છે. ઇન્ટર્નશિપ પહેલા જ અમે ક્રિટિકલ પેશન્ટની સારવારનો અનુભવ મેળવી ચૂક્યા છીએ. કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર, ઈન્ટર્ન્સ અને નર્સિંગ સ્ટાફ એક ટીમ તરીકે કામ કરી દર્દીઓને કોઈપણ ભોગે કોરોના સામે વિજયી બનાવવાની વિભાવના સાથે સખ્ત મહેનત કરી રહ્યાનું વિદ્યાર્થીઓ જણાવે છે.