રાજકોટ: સમગ્ર ભારત ભરમાં દેવાધી દેવ મહાદેવની શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર જલારામધામ ખાતે આવેલ મુક્તિધામ એટલે કે સ્મશાનમાં બિરાજતા મુક્તેશ્વર મહાદેવની મહાઆરતી રાત્રે બાર વાગ્યે કરવામાં આવી હતી. સામાન્ય રીતે લોકો રાત્રીના સમયમાં સ્મશાનમાં જતા ડરતા હોય છે. પરંતુ અહીં વીરપુરના સ્મશાનમાં બિરાજમાન છે મુક્તેશ્વર મહાદેવ. આ મુક્તેશ્વર મહાદેવનું મંદિર ખુબજ પૌરાણિક છે. વીરપુરના સ્મશાનમાં આવેલું છે.
આ પણ વાંચોઃ Mahashivratri 2023: કાયાવરોહણ ખાતે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી કરાઈ ઉજવણી
જૂની પરંપરાઃ અહીંયા દર વર્ષે મહાશિવરાત્રી નિમિતે વીરપુર ગામના સેવાભાવી યુવાનો દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ મુક્તેશ્વર મહાદેવની આરતી ડાક-ડમરૂ વગાડીને રાત્રીના બાર વાગ્યે કરવામાં આવે છે. જેમાં વીરપુરના સેવાભાવી યુવાનો દ્વારા મુક્તેશ્વર મહાદેવ મંદિરની સાથે આખુ મુક્તિધામ એટલે કે સ્મશાન શણગારવામાં અને સુશોભિત કરવામાં આવે છે. તેમજ આખાય સ્મશાનમાં 2100 દિવડા પ્રગટાવીને રોશની કરીને દિવાળી જેવો માહોલ તૈયાર કરવામાં આવે છે.
શિવાલયમાં શિવભક્તિઃ વીરપુરના મુક્તેશ્વર મહાદેવની મહા આરતીમાં હજારો શિવભક્તો દર્શન કરવા અને આરતીનો લાભ લેવા માટે ઉમટી પડે છે. ભજન કીર્તન અને શિવજીના ગુણગાન ગાઈને ભક્તો હર હર મહાદેવના નાંદ સાથે મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ મહાઆરતી બાદ ભાંગ તેમજ ફૂટનો પ્રસાદ શિવભક્તોને આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Mahashivratri 2023: ઉજ્જૈન મહાકાલના લક્કી ગુરુના ગ્રુપ દ્વારા જામનગરમાં કરાયું અદભુત ડમરુવાદન
રામનાથ મહાદેવઃ આ ઉપરાંત રાજકોટમાં આવેલા સૌથી જૂના મંદિર પૈકીના એક રામનાથ મહાદેવના મંદિરે પણ શિવરાત્રીની ભાવ ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી લોકોએ પૂજા અને અભિષેક હેતું લાંબી લાઈન લગાવી હતી. જોકે, મંદિર તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવતા ભાવિકોને દર્શનનો લાભ મળી રહ્યો હતો. આ ઉપરાંત આ વખતે શનિવારે શિવરાત્રી આવી હોવાથી લોકોને શનિવાર અને રવિવારની રજાનો લાભ મળ્યો છે. જેમાં બેંકમાં રજા હોવાથી કેટલાક લોકોએ સોમનાથ દર્શન કરીને રવિવારે બહારગામ ફરવાનો પ્લાન પણ બનાવી કાઢ્યો હતો. જોકે, સોમનાથ મંદિર સતત 40 કલાક સુધી ખુલ્લું રહેવાને કારણે ભાવિકોએ મોડી રાત સુધી દર્શન કર્યા હતા.