રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના 11 જેટલા તાલુકાઓમાં વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. આ વેન્ડિંગ મશીનમાં પાંચ રૂપિયા નાખવાથી તમને કપડાની થેલી મળશે. આ થેલી વોસેબલ હોવાના કારણે તેનો અનેક વખત ઉપયોગ પણ કરી શકાશે. હાલ રાજ્યમાં લગભગ પ્રથમ રાજકોટ જિલ્લામાં આ પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતનો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોમાં પણ આ પ્રકારના વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે.
'વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલ સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોએ પણ પ્લાસ્ટિકનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવો જોઈએ. અમારા ધ્યાન ઉપર એક વાત આવી કે લોકોને પ્લાસ્ટિકનો ઓપ્શન નથી મળી રહ્યો અને કપડાની થેલી લોકોને ક્યાંથી મળે તેવા પણ પ્રશ્નો હતા. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા પંચાયતની સાથે 11 તાલુકાઓમાં વેલ્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે. જેમાંથી માત્ર પાંચ રૂપિયામાં કપડાની થેલી મળશે. આ પ્રથમ તબક્કાનું કામ છે. આગામી દિવસોમાં અમે આ મશીન મામલે રીવ્યુ બેઠક યોજશું અને ત્યારબાદ જો અમને જરૂર જણાવશે તો અમે રાજકોટ જિલ્લાની મોટી ગ્રામ પંચાયતો અને જાહેર જગ્યાઓમાં આ પ્રકારના વેન્ડિંગ મશીન મૂકશું.' -દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ
પાયલોટ પ્રોજેક્ટ: જ્યારે આ મશીન કેવી રીતના કામ કરે છે તે અંગે જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ એક મશીનમાં 100 કપડાની થેલી રાખવામાં આવે છે. આ વેન્ડિંગ મશીનમાં રૂપિયા પાંચનો સિક્કો અથવા રૂપિયા બેના બે સિક્કા અને 1 રૂપિયાનો એક સિક્કો અથવા તો 1 રૂપિયાના 5 સિક્કા એટલે કે કુલ પાંચ રૂપિયા અંદર નાખવામાં આવે ત્યાર બાદ તેમાંથી એક કપડાની થેલી બહાર આવે છે. આ સાથે જ આમાં 100 જેટલી બેગ હાલ રાખવામાં આવી છે. જે અગાઉ 4 કે 5 દિવસમાં ખાલી થઈ જાય તો અમે આપ કપડાની બેગ માટેનો સ્ટોક પણ રાખ્યો છે. જેને અમે તાત્કાલિક ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. આ સમગ્ર પાયલોટ પ્રોજેક્ટ રૂ.5 લાખથી વધુની કિંમતનો છે. તેમજ એક મશીનની કિંમત અંદાજિત 15 થી 20 રૂપિયા છે. આ સાથે જ આ મશીન વીજળીથી ચાલે છે.