રાજકોટ: ગુજરાતનું ગૌરવ અને આંતરરાષ્ટ્રીય ભારતીય ક્રિકેટ ખેલાડી એવા રવિન્દ્ર જાડેજા હાલ ભારતીય ટીમમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. એવામાં તેમના પત્ની આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જ્યારે રવિન્દ્ર જાડેજાના પિતા અને તેમના મોટા બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસમાંથી પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસને જ સમર્થન કર્યું હતું. એવામાં એક જ પરિવારના સભ્યો અલગ અલગ પક્ષમાંથી પ્રચાર કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.
કેમ જામી ચર્ચા: ફરી એક વખત નયનાબા જાડેજાની કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લાના સેવાદળના મહિલા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેને લઇને તેઓ ચર્ચામાં આવ્યા છે. એવામાં લોકસભાની ચૂંટણીને લઈને ફરી ચૂંટણી સમયે નણંદ અને ભોજાઈ વચ્ચે યુદ્ધ જામશે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં સક્રિય જોવા મળી રહ્યા છે.
બહેન અને પિતા કોંગ્રેસમાં સક્રિય: નયના બા રવિન્દ્ર જાડેજાના મોટા બહેન છે. તેમજ નયનાબા રાજકોટમાં હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી જડ્ડસ હોટલનું સંચાલન કરી રહ્યા છે અને કોંગ્રેસમાં સક્રિય છે. જ્યારે નયનાબા સાથે તેમના પિતા પણ કોંગ્રેસમાં છે. તેમજ ગત વિધાનસભાની ચૂંટણીમાં પિતા પુત્રીએ કોંગ્રેસને સમર્થન કર્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્યો માટે પ્રચાર પણ કર્યો હતો.
પત્ની જામનગરની ધારાસભ્ય: બીજી તરફ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ખાતેથી ધારાસભ્યની ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં જીતતા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી નણંદ અને ભોજાઈ વચ્ચે રાજકીય જંગ જોવા મળી રહ્યો છે. એવામાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે. ત્યારે જોવાનું રહેશે કે કયા પક્ષનું પલ્લું વધારે ભારી રહેશે.