રાજકોટમાં દર વર્ષે સાતમ-આઠમમાં પરંપરાગત ભાતીગળ મેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા મેળો યોજવા માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરાઇ છે. પરંતુ આ વર્ષે મેળામાં વિવિધ સ્ટોલ માટેના ફોર્મમાં વેપારીઓ નિરસ્તા દાખવી રહ્યાં છે. આ મેળામાં કુલ 338 વિવિધ ખાણીપીણી તેમજ રમકડાં સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવનાર છે. ત્યારે 338 સ્ટોલમાંથી હજુ સુધી માત્ર 112 વેપારીઓએ ફોર્મ ભરીને પરત કર્યા છે.
સોમવારે આ ફોર્મ પરત કરવાનો છેલ્લો દિવસ છે. જ્યારે ફોર્મ વિતરણ શરૂ કરાયું, ત્યારે 1200 જેટલા ફોર્મ અલગ-અલગ વેપારીઓ દ્વારા લેવામાં આવ્યા હતા. જેમાંથી હાલ માત્ર 112 જેટલા જ ફોર્મ પરત ભરાઈને આવ્યા છે. હાલ આ ફોર્મ પરત ભરાઈને આવે ત્યારબાદ ડ્રો કરવામાં આવે છે અને પ્લોટની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટો મલ્હાર મેળો યોજાય તે પહેલા જ તેમાં મંદીની અસર દેખાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસું શરૂ થયા બાદ સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં સારો વરસાદ આવ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી વરસાદ પાછો ખેંચાયો છે. જેને લઈને ખેડૂતો અને વેપારીઓ ચિંતાતુર બન્યા છે.