રાજકોટ: સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. ત્યારે આ લોકમેળાનું ઉદ્દઘાટન પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા તેમજ અન્ન અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આજથી શરૂ થયેલ લોકમેળો આગામી 5 દિવસ સુધી ચાલશે. ત્યારે આ લોકમેળામાં અંદાજિત 10 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતાઓ છે. આ સમગ્ર મેળાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. જેને લઇને 5 દિવસોમાં લોકમેળા મારફતે વહીવટી તંત્રને પણ લાખ્ખો રૂપિયાની આવક થતી હોય છે.
સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવશે મેળો માણવા: લોકમેળો ખુલ્લો મૂક્યો બાદ પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે રંગીલા રાજકોટના આ લોકમેળામાં સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો આ લોકમેળાની મજા માણવા માટે આવશે. આપણી ભારતીય સંસ્કૃતિ મેળા અને ઉત્સવો લોકો માણતા હોય છે. જ્યારે સૌરાષ્ટ્રના શ્રાવણ મહિનાથી ભાદરવા મહિના સુધી ગામે ગામે અનેક મેળા યોજાય છે. ત્યારે આ બધામાં સૌરાષ્ટ્રમાં સૌથી મોટો મેળો રાજકોટમાં યોજાય છે. આ લોકમેળાના નામકરણ માટે પણ સૂચનો દર વર્ષે માંગવામાં આવે છે અને લોકમેળાનું નામ રાખવામાં આવે છે. 1986થી આ લોકમેળાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે જેના થકી અનેક લોકોને પણ રોજગારી મળતી હોય છે.
1300 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે: રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજથી લોકમેળાનો પ્રારંભ થયો છે. ત્યારે લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં રાજકોટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ડીસીપી, એસીપી, પીઆઇ અને પીએસઆઇ સહિત 1300 પોલીસ જવાનો ખડેપગે રહેશે. આ સાથે જ સીસીટીવી કેમેરા સહિત 18 જેટલા વોચ ટાવર પણ ઊભા કરવામાં આવ્યો છે. જ્યારે પ્રથમ વખત બહારના જિલ્લાઓમાંથી પણ પોલીસને તૈનાત રાખવામાં આવી છે. જેમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડ સહિત 6 સેક્ટરમાં PIના સુપરવિઝનમાં પોલીસ તૈનાત છે.