રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં દીપડો દેખાયો હોવાની વાત વહેતી થતા છેલ્લા 15 દિવસથી સમગ્ર શહેરમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ વન વિભાગ દ્વારા પણ દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ દીપડો હજુ સુધી પાંજરે પુરાયો નથી. શહેરના અલગ અલગ વિસ્તારમાં દીપડો આંટાફેરા કરતો હોવાના પુરાવા પણ મળી આવ્યા છે. ત્યારે આજે વધુ એક વિસ્તારમાં દીપડો ફરતો હોવાના વીડિયો સામે આવ્યો છે.
ફરી દીપડાએ દેખા દીધી : મળતી માહિતી અનુસાર ગતરાત્રીના સમયે કાલાવડ રોડ ઉપર આવેલી એક હોટલ નજીકથી દીપડો પસાર થયો હતો. દીપડાના આંટાફેરા આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ ઘટનાના સીસીટીવી ફુટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વીડિયોમાં સાફ જોઈ શકાય છે કે, દીપડો આમ તેમ આંટાફેરા કરી રહ્યો છે. આ વાયરલ વીડિયોના આધારે વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
દીપડાનો આતંક યથાવત : રાજકોટ શહેરની ભાગોળે આવેલા વાગુદળ, મુંજકા, કણકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 15 દિવસ કરતાં વધારે સમયથી દીપડાના આંટાફેરા નોંધાયા છે. જ્યારે આ વિસ્તારમાં દીપડાએ એક શ્વાનનું મારણ પણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વન વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરંતુ આ દીપડો હજુ સુધી પાંજરે પુરાયો નથી.
દીપડાના હુમલા : રાજકોટમાં છેલ્લા 15 દિવસ કરતાં વધારે સમયથી દીપડો આટાંફેરા કરી રહ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા ગોઠવેલા પીંજરામાં હજુ સુધી દીપડો પુરાયો નથી. જેને લઈને શહેરના વાગુદળ, મુંજકા, કણકોટ અને કાલાવડ રોડ સહિતના વિસ્તારમાં વસતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. જોકે આ દીપડાએ હજુ સુધી કોઈ વ્યક્તિ ઉપર હુમલો કર્યો નથી, પરંતુ એક શ્વાનનું મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.
વન વિભાગની કાર્યવાહી : ઉલ્લેખનીય છે કે, હાલ શિયાળાની ઋતુ શરૂ છે. એવામાં વન્ય પ્રાણીઓ શિકાર અને ખોરાકની શોધમાં શહેરી વિસ્તારોમાં આવી ચડતા હોય છે. આમ રાજકોટની આસપાસના ગામોમાં છેલ્લા 15 દિવસ કરતાં વધારે સમયથી દીપડો આવી ચડ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી આ દીપડો પકડાયો નથી.