રાજકોટ: ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર આવેલ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ એટલે કે ગૌશાળાની અંદર ફરી એકવાર દીપડાએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. અહીં દીપડાએ બે વર્ષની વાછરડીનું મારણ કર્યુ હતું, મારણ કર્યા બાદ દીપડો નાસી છૂટયો હતો. દીપડાના હુમલાની ઘટનાની જાણ થતા તુરંત એનિમલ હોસ્ટેલ ટીમ તેમજ અન્ય આગેવાનો દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતે ઉપલેટા ફોરેસ્ટ વિભાગના તંત્રને જાણ કરી હતી.
ગૌશાળામાં ઘૂસ્યો દીપડો: ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ પિયુષભાઈ માકડીયાએ જણાવ્યું હતું કે, ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કે જ્યાં 800 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે, તે ગાયોની ગૌશાળાની અંદર ગતરાત્રિએ દીપડાએ હુમલો કરી બે વર્ષની એક વાછરડીનું મારણ કર્યું છે, જ્યારે આ બનાવને લઈને ઉપલેટા વનવિભાગના અધિકારી બ્રિજેશ બારૈયાએ જણાવ્યું હતું કે, વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકીને દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અગાઉ પણ દીપડો ઘુસવાની ઘટના: મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસ પહેલાં પણ એક દીપડો આ હોસ્ટેલમાં ઘૂસી આવ્યો હતો અને ત્રણ વર્ષની એક વાછરડીનો શિકાર કર્યો હતો, ત્યારે આ વખતે ફરી એક વાછરડીનું મારણ કર્યું કરતા ગૌશાળા સંચાલકોમાં ચિંતાની લાગણી સાથે ભય પ્રસરી ગયો છે.આ એનિમલ હૉસ્ટેલના સંચાલકોના જણાવ્યા પ્રમાણે ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની અંદર મારણની આ ઘટના પ્રથમ નથી કારણ કે, અગાઉ પણ અંદાજિત એક વર્ષ પહેલા પણ આ જ એનિમલ હોસ્ટેલમાં દીપડા દ્વારા પશુનું મારણ થયું હતું અને થોડા સમય પહેલા પણ ત્રણ વર્ષની વાછરડીનું મારણ થયું હતું.
ગાયોની સુરક્ષા રામ ભરોસે: અહી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં અંદાજિત 800 જેટલી ગાયોનો નિભાય થાય છે, ત્યારે અહી આવડા મોટા સંચાલનની જગ્યામાં હજુ સુધી કોઈ સીસીટીવી કેમેરા નથી ફીટ કરવામાં આવ્યાં એ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ એનિમલ હોસ્ટેલમાં તાત્કાલિક અસરથી સીસીટીવી કેમેરા પણ ફીટ કરવામાં આવે અને ગાયોની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.