રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં 11 માળની જનાના હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજિત 100 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનાવામાં આવી તૈયાર થઈ રહી છે, એવામાં હોસ્પિટલના બાંધકામમાં ગેરરીતિ સર્જાઈ છે. જેના કારણે ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને NOC આપવામાં આવ્યું નથી. જેના માટે જ હોસ્પિટલનું લોકાર્પણ હાલ અટકી ગયું છે. એવામાં એવી પણ વાત સામે આવી રહી છે કે 11 માળની હોસ્પિટલ હવે ચાર માળમાં ફેરફાર કર્યા બાદ જ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને NOC આપવામાં આવનાર છે. ત્યારબાદ જ તેનું લોકાર્પણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
કેમ ન મળ્યું NOC: આ અંગે ફાયર વિભાગનું કહેવું છે કે, કોઈ પણ ઊંચી ઈમારતનું નિર્માણ થતું હોય તે દરમિયાન ઈમારતની ઉંચાઈ મુજબ 18 મીટરે રીફ્યુઝ એરિયા છોડવાનો હોય છે. જ્યારે જનાના હોસ્પિટલના નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટ એજન્સી અહીં રીફ્યુઝ એરિયા મૂકવાનું જ ભૂલી ગઈ છે. જેના કારણે ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલના બિલ્ડિંગને હજી સુધી NOC આપવામાં આવ્યું નથી. તેથી હોસ્પિટલની ઈમારતના 4 જેટલા માળમાં તોડફોડ કરી સુધારા વધારા કરવામાં આવશે અને ત્યારબાદ જ તેને NOC આપવામાં આવશે. બીજી તરફ 100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી હોસ્પિટલના લોકાર્પણ પહેલાં જ હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવતા વધુ એક વખત તંત્રની પોલંપોલ છતી થઈ છે.
રેફ્યુઝ એરિયા બનવાનું ભુલાઈ ગયું: આ અંગે રાજકોટ મહાનરપાલિકાના ફાયર ઓફિસર ઠેબાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં બનાવામાં આવતી જનાના હોસ્પિટલની વિઝીટ અમે કરી છે. આ વિઝિટ દરમિયાન જે ફાયર માટેના સાધનો લગાવવામાં આવ્યા છે તે તમામ સાધનો બરાબર છે. જ્યારે હોસ્પિટલમાં રેફ્યુઝ એરિયા બનાવામાં આવ્યો નથી. જેના કારણે તેને ફાયર વિભાગ દ્વારા NOC આપવામાં આવ્યું નથી.
રેફયુઝ એરિયા માટેની ડીઝાઈન તૈયાર: હાલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા રેફયુઝ એરિયા માટેની ડીઝાઈન તૈયાર કરી લેવામાં આવી છે અને જ્યારે રેડ્યુઝ એરિયા બનાવ્યા બાદ જ ફાયર વિભાગ દ્વારા NOC આપવામાં આવનાર છે. રેફ્યુઝ એરિયા અંગે તેમને જણાવ્યું હતું કે કોઈ પણ સમયે ઇમરજન્સી સર્જાય ત્યારે બનાવ સ્થળે રેફ્યુઝ એરિયા બનાવ્યો હોય તો ત્યાં લોકો સહેલાઈથી પહોંચી જાય છે અને આ રેફ્યુઝ એરિયામાંથી તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવે છે.