ગોંડલની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરના અતિ પ્રાચીન પૌરાણિક સ્વયંભૂ શિવાલય શ્રી સુરેશ્વર મહાદેવ બિરાજમાન છે. શ્રાવણ માસના શુભારંભ સાથે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી સુરેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજતો રહે છે. ગોંડલના રાજવી સર ભગવતસિંહજી પણ સુરેશ્વર મહાદેવના દર્શન માટે જતા હતા.
એસટી નિગમ દ્વારા સુરેશ્વર મંદિરે જવા માટે કોલેજ ચોક તથા હોસ્પિટલ ચોકથી સ્પેશિયલ બસ મુકવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભજન - ભોજન સહિત અનેક આયોજન કરાય છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરે 108 દીપમાળાની આરતી કરવામાં આવી હતી. જેમાં રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય હરિચરણદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ્વર મહાદેવ મંદિરમાં 108 દિવાની આરતી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આરતીનો લાભ લીધો હતો.