રાજકોટઃ જિલ્લાના મોવિયા ગામ પાસે એક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પુલ નીચે ખાબકી હતી. કારમાં સવાર 5 લોકોમાંથી 1 બાળકીનું મોત નીપજ્યું હતું.
ગોંડલના મોવિયા ગામ પાસે કાર પુલ નીચે ખાબકતા કારની પાછળ આવી રહેલા સાઇકલ સવારે પુલ નીચે કૂદકો મારી કારમાં સવાર 5 લોકોમાંથી 4 લોકોનો બચાવ કર્યો હતો. જેમાં 1 બાળકને ઇજા થતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને 1 બાળકી લાપતા થતા નગર પાલિકાના પ્રમુખ સહિત અને ફાયર ટીમ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરી હતી. કારને નદીમાંથી બહાર કાઢ્યા બાદ કારમાંથી બાળકી ન મળતા ફાયર ટિમ દ્વારા નદીમાં બાળકીની શોધખોળ શરૂ કરાઇ હતી.
ગોંડલ ફાયર ટીમને 3 કલાક બાદ બાળકીનો મૃતદેહ મળ્યો હતો અને બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ, પાલિકા પ્રમુખ, મોવિયા ગ્રામ્યજનોને થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ કાર બાબરાથી વીરપુર જઇ રહી હતી અને કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી એક બાળકને ઇજા થતાં રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતા અને એક બાળકીનું મૃત્યુ થયું હતું.