જૂનાગઢ : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના વોર્ડ નંબર 4,5,6 અને 7 પાછલા પાંચ દિવસની પાણી વિતરણ વ્યવસ્થા એકદમ ખોરંભે જોવા મળી રહી હતી. જેના કારણે આ વિસ્તારની મોટાભાગની ગૃહિણીઓને ભારે હાલાકી ભોગવવાનો સમય આવ્યો હતો. તો બીજી તરફ વિપક્ષ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશો પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તંત્ર પાણી વિતરણ વ્યવસ્થાનું આયોજન નથી કરી શકતા તેવા આરોપ સાથે સત્તાપક્ષને આડે હાથ લીધું હતું.
પીવાના પાણી માટે વલખા : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર વોર્ડમાં ચાલી રહેલા માર્ગ, ગટર અને ટેલીફોનની લાઈન બિછાવાના અને નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને દોલતપરા નજીક હસનાપુર ડેમમાંથી આવતી પાણીની પાઈપલાઈનને નુકસાન થયું હતું. તો બીજી તરફ ઝાંઝરડા રોડ પર ભૂગર્ભ ગટરના કામ ચાલી રહ્યા હતા. જેને કારણે પાણીની પાઈપલાઈનને નુકસાન થયું હતું. જેથી પાણીનો પુરવઠો બાધિત થયો હતો. ઉપરાંત પાછલા પાંચ દિવસથી પીવાના પાણીની વ્યવસ્થા પૂર્વવત થતી જોવા મળી નથી. પરંતુ આજથી તમામ 4 વોર્ડમાં પાણીનો જથ્થો પૂર્વવત્ થશે તેવો આશાવાદ કોર્પોરેશને વ્યક્ત કર્યો છે.
કોર્પોરેશને આપી વિગતો : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ ETV BHARAT સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જૂનાગઢના 15 વોર્ડ પૈકી ચાર વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા પાછલા પાંચ દિવસથી બાધિત જોવા મળતી હતી. પાણીની પાઈપલાઈનને ભૂગર્ભ ગટર અને માર્ગના નવીનીકરણના કાર્ય દરમિયાન નુકસાન થયું હતું. જેને કારણે તેના રીપેરીંગમાં સમય લાગ્યો અને પીવાનું પાણી પાછલા પાંચ દિવસથી ચાર વોર્ડમાં આપી શકાયું નથી. પરંતુ આજથી તમામ વોર્ડમાં કોર્પોરેશન દ્વારા નિર્ધારિત દિવસે અને સમયે પાણીની વિતરણ વ્યવસ્થા શરૂ થઈ જશે.
વિપક્ષે લગાવ્યા આક્ષેપ : જૂનાગઢ કોર્પોરેશનના વિપક્ષના કોર્પોરેટરે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પર આક્ષેપ કર્યા હતા. તેઓએ કહ્યું કે, તંત્ર પ્રાથમિક જરૂરિયાત એવી પીવાના પાણીની વ્યવસ્થા પણ સુચારુરૂપે ચલાવી શકતી નથી. જેને કારણે પાછલા પાંચ દિવસથી જૂનાગઢ કોર્પોરેશનના ચાર વોર્ડમાં પીવાનું પાણી પહોંચી શક્યું નથી. જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અણઆવડત ભરી નીતિને પ્રદર્શિત કરે છે. પાંચ દિવસથી અનેક ફરિયાદો છતાં કોર્પોરેશનનું તંત્ર પીવાના પાણીને લઈને ગંભીર બનતું જોવા મળતું ન હતું.
સ્થાનિકોની માંગ : બીજી તરફ વોર્ડ નંબર 6 ના સ્થાનિક મહિલાએ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પીવાના પાણીની વ્યવસ્થા ચોમાસાના સમયમાં નથી કરી શકતી તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉપરાંત આગામી દિવસોમાં એકાંતરે પાણી વિતરણ થાય તેવી માંગ પણ કરી છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓએ પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડી છે, તેનો સ્વીકાર કર્યો હતો. પરંતુ ટેકનિકલ કારણોસર પાંચ દિવસ સુધી પાણી વિતરણ નથી થઈ શક્યું જે આજથી શરૂ થશે તેવી માહિતી આપી હતી.