અમદાવાદ: ગાંધી જયંતી નિમિત્તે શહેરના કોચરબ આશ્રમથી 'ગાંધી સંસ્થાન સ્મરણ સફર'નો પ્રારંભ થયો હતો. સત્યાગ્રહી પરિવાર દ્વારા આયોજીત પ્રાર્થનામય સફરમાં વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા.
બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળમાં અનેક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. જોકે કેટલીક સંસ્થાઓએ સંક્રમણની ચિંતા કર્યા વગર ગાંધીજીને યાદ કરી કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાંની એક સંસ્થા 'સત્યાગ્રહી પરિવાર' દ્વારા કોચરબ આશ્રમ ખાતેથી "ગાંધી સંસ્થાન સ્મરણ સફર"નો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. સત્યાગ્રહી પરિવારના નિમિષ શાહની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના લોકો જોડાયા હતા.
"ગાંધી સંસ્થાન સ્મરણ સફર"માં જોડાયેલા લોકોએ કોચરબ આશ્રમથી નિકળી એમ.જે. લાયબ્રેરી, ગુજરાત સાહિત્ય પરિષદ, ગાંધી સ્ટેચ્યુ, નવજીવન પ્રેસ, ગુજરાત વિદ્યાપીઠ, ખાદી વણાટ કેન્દ્ર, ઈમામ મંઝીલ અને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.
ગાંધીજી જે સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને એમની યાદો જ્યાં સચવાયેલી છે,તે સ્થળોની મુલાકાત લઇ સત્યાગ્રહી પરિવારે પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સરકાર ખેડૂત, મજુર, કારીગર વર્ગની ચિંતા કરી સ્વદેશી તરફ વળે એમ આ કાર્યક્રમના આયોજકોનું માનવું છે.