રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ફરી એક વખત ચોરીની ઘટના સામે આવી છે. જેમાં શહેરના પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીના નિવાસ્થાનેથી આ ચોરી થઈ છે. તસ્કરો દ્વારા ધોળા દિવસે ઘરમાંથી દાગીના ઉઠાવી જવામાં આવ્યા છે. સમગ્ર મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે પણ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે હજુ સુધી આ ઘટનાના કોઈપણ સીસીટીવી પણ સામે આવ્યા નથી પરંતુ પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. એવામાં પૂર્વ મેયરના ઘરમાં ચોરીની વાત સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
"પૂર્વ મેયર ગોવિંદ સોલંકીના ઘરમાં આ ચોરીની ઘટના સામે આવી છે. જ્યારે ઘરમાંથી માત્ર દાગીનાના પોટલાની ચોરી થઈ છે રોકડ રકમની કોઈપણ પ્રકારની ચોરી થઈ નથી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આ મામલાના સીસીટીવી હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ પોલીસે સમગ્ર મામલાને લઈને તપાસ કરી રહી છે. એવામાં શંકા પણ સેવાઈ રહે છે કે કોઈ જાણ ભેદુ હોઈ શકે છે. જેના દ્વારા જ આ પ્રકારની દાગીનાની ચોરી કરાઇ હોય શકે છે."--એમજી વસાવા (પોલીસ મથકના પીઆઇ)
ચોરીની ઘટના: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં આવેલા શિવાજી પાર્કના જીજ્ઞા નામના મકાનમાં આ ચોરીની ઘટના સામે આવી હતી. જ્યારે ઘરની અંદર રહેલા રૂપિયા19 લાખ દાગીનાનું પોટલુ ચોરવામાં આવ્યું છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી. ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે જે ઘરમાંથી ચોરી થઈ છે તે ઘર પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીનું છે અને તેમના પુત્ર મોહિત સોલંકીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જ્યારે શહેરમાં ધોળા દિવસે પૂર્વ મેયરના ઘરમાંથી દાગીના ભરેલું પોટલું ચોરાયાની ઘટના સામે આવ્યા બાદ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.