રાજકોટઃ જિલ્લામાં સગીરાની હત્યા મામલાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે કોર્ટે આ મામલે આરોપીને ફાંસીની સજા ફટકારી કેસ પૂર્ણ કર્યો હતો. અહીં જેતપુર તાલુકાના જેતલસર ગામમાં રહેતો જયેશ ગિરધર સરવૈયા નામનો યુવાન ગામની તરૂણીના એકતરફી પ્રેમમાં હતો, જેથી તેને પામવા વારંવાર પ્રયાસ કરતો હતો. મૃતક સગીરા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ત્યાં પણ આરોપી તેનો પીછો કરતો હતો. 16 માર્ચ 2021ના દિવસે સગીરાના માતાપિતા ખેતરમાં મજૂરી કરવા ગયા હતા. ત્યારે બપોરના સમયે આરોપીએ સગીરાને લગ્ન માટે દબાણ કર્યું હતું.
કોર્ટે અમને ન્યાય આપ્યોઃ મૃતકના પિતાઃ આ અંગે મૃતક સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં આરોપીને ફાંસીની સજા મળવી જોઈએ તેવી પણ અમે માગ કરી હતી. ત્યારે કોર્ટે ફાંસીની સજા આપતા અમને ન્યાય મળ્યો છે. આ કેસમાં બધાએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. કેસ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીના તમામ લોકો આજ સુધી અમારી સાથે અડગ ઊભા હતા.
મૃતકનો ભાઈ થયો હતો ઈજાગ્રસ્તઃ આ અંગે મૃતક સગીરાના ભાઈએ જણાવ્યું હતું કે, મારી બહેનને બચાવવા સમયે હું વચ્ચે વડ્યો હતો. એટલે મને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા. તેના કારણે હું ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે હવે ન્યાયપાલિકાએ આરોપીને ફાંસીની સજા આપતા અમને ન્યાય મળ્યો છે.
કોર્ટે ફટકારી પાંસીની સજાઃ તો આ અંગે ફરિયાદી પક્ષના વકીલ એડવોકેટ જનક પટેલે જણાવ્યું હતું કે, જેતપુરના જેતલસર ખાતે બનેલી હત્યાની ઘટનામાં આરોપીએ ક્રૂરતાથી હત્યા કરી હતી. તેને બચાવવા વચ્ચે પડેલો તેનો ભાઈ પણ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે હવે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
આરોપી સગીરાને લગ્ન માટે દબાણ કરતો હતોઃ આ દબાણ બાદ પણ તરૂણીએ આરોપી જયેશ ગિરધર સરવૈયાની વાત માની નહતી. એટલે આરોપી જયેશે તરૂણીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ આરોપી જયેશે સગીરાને છરીના 32 ઘા મારી હત્યા કરી હતી. તે દરમિયાન ઘરમાં સગીરાનો ભાઈ પણ હાજર હતો. એટલે તે બહેનને બચાવવા વચ્ચે પડ્યો હતો. ત્યારબાદ આરોપી જયેશ સરવૈયાએ સગીરાના ભાઈ પર પણ છરીથી હુમલો કર્યો હતો.
આખી શેરીમાં લોહીની નદીઓ વહીઃ ત્યારબાદ મૃતક સગીરાનો ભાઈ લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા શેરીમાં ભાગ્યો હતો. તો આરોપી જયેશે તેને આઠેક જેટલા છરીના ઘા મારતાં તે પાડોશીના ઘરની બહાર પડી ગયો હતો. અહીં આખી શેરીમાં લોહીની નદીઓ વહેતી જોવા મળી હતી. જોકે, આરોપી જયેશ ગિરધર સરવૈયા આરામથી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈઃ આ ઘટનાની જાણ સમગ્ર ગામમાં થઈ ગઈ હતી. ત્યારબાદ સગીરાના માતાપિતાને આ વાતની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ સગીરાનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બાદ સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને તેનાં ભાઈને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેના ભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો.
નેતાઓએ કેસને ફાસ્ટટ્રેકમાં ચલાવવા કરી હતી માગઃ આ ઘટનામાં ત્રણ દિવસ બાદ હત્યારો જયેશ ગિરધર સરવૈયા ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા ને રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કર્યો હતો. આ બાજૂ સગીરાની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. તેમજ તત્કાલીન કૉંગ્રેસના નેતા અને વર્તમાન ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ, એનસીપીનાં રેશ્મા પટેલ, આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા સહિતના નેતાઓએ સ્વર્ગસ્થ સગીરાનાં પરિવારની મુલાકાત લીધી હતી. ને સરકાર આ બનાવમાં સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરી કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવે તેવી માગ કરી હતી.
સરકારે કરી હતી SITની રચનાઃ જિલ્લાના જેટલસાર ગામમાં ધોળા દિવસે સગીરાની હત્યાના બનાવે સરકારની પણ આબરુનું ધોવાણ થયું હોવાથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ સગીરાના પરિવારની મુલાકાત લીધી હતી. તેમ જ ન્યાય મેળવવામાં સરકાર તમામ પ્રકારની મદદ કરશે તેવી બાંહેધરી આપી હતી. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી અને તેના વડા તરીકે તત્કાલીન એલ.સી.બી. પી.આઈ. અજયસિંહ ગોહિલ, જેતપુર તાલુકા પી.એસ.આઈ. પી.જે. બાંટવા, ધોરાજીનાં મહિલા પી.એસ.આઇ. કદાવલા, એલ.સી.બી. રાઇટર રસિકભાઈ જમોડ, જેતપુર તાલુકા પોલીસના રાઇટર વિજયસિંહ જાડેજા, ગોંડલ પીટીના હરેન્દ્રસિંહ, ઉપલેટા પોલીસના રાઇટર ભાવેશભાઈ અને મહિલા કોન્સ્ટેબલ રાધિકાબેનની અને સરકાર તરફથી કેસ લડવા સ્પેશિયલ સરકારી વકીલ તરીકે એડવોકેટ જનક પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Navsari crime news: પાલનહાર માતા પિતાએ બાળકોની હત્યા કરી પોતે પણ કરી લીધો આપઘાત
SITએ ફાઈલ કરી હતી ચાર્જશીટઃ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસના અંતે 200 પેજનું હત્યારા સામે ચાર્જશીટ ફાઇલ કર્યું અને બે વર્ષ ચાલેલ આ કેઇસમાં 51 સાહેદોને તપસ્યા બાદ જેતપુર સેસન્સ કોર્ટના જજ આર. આર. ચૌધરીએ આરોપીને તમામ કલમ હેઠળ દોષિત જાહેર કર્યો છે અને તેમણે સજા 10 માર્ચે સાંભડાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું, જેમાં બાદમાં ફરી સજા 13 માર્ચે સંભળાવવાનું સામે આવી હતી. અંતે આરોપી જયેશને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.