રાજકોટ: જેતપુરમાં પોલીસને બાતમી આપતો હોવાની આશંકાએ એક બુટલેગરે બે સંતાનોના પિતાને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. જેને લઇને પોલીસે હત્યારાને સકંજામાં લઇ આગળની તપાસ હાથ ધરી છે. આરોપીને એવું હતું કે, આ યુવાન પોલીસનો માણસ છે અને માહિતીઓ પહોંચાડી રહ્યો છે. આ આશંકાએ યુવાનનું કાસળ કાઢી નાંખ્યું હતું.
સમગ્ર મામલો: ભોજાધાર વિસ્તારમાં ભરબપોરે એક બુટલેગરે ત્યાં જ રહેતા એક યુવાનને પોલીસનો બાતમીદાર હોવાની શંકાએ છરીથી પતાવી દીધો હતો. જેમાં બુટલેગરે યુવકને ગંભીર રીતે ઈજા પહોંચાડતા યુવકનું મોત થયું છે. આ ઘટનામાં હત્યા નીપજાવ્યાની ગણતરીની કલાકમાં જ પોલીસ પકડી પાડીને કાયદેસરના પગલાં લીધા છે. જે બાદ જેતપુર સીટી પોલીસે આગળની પૂછપરછ શરૂ કરી છે. જ્યારે બીજી તરફ યુવકની પત્નીએ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો Vadodara Murder Case: જાહેરમાં ફિલ્મીઢબે ફાયરિંગ કરી હત્યા કરનારા ઝડપાયા, આવો હતો પ્લાન
સરકારી હોસ્પિટલ: પરિણતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઘટના બની તે દિવસે બપોરે તેના પતિ જીજ્ઞેશને કોઈનો ફોન આવતા તે બહાર ગયા હતો. થોડી જ વારમાં જાણવા મળ્યું કે, ચિરાગ ઉર્ફે લંગડા પરમારે તેને છરી મારી દીધી છે. જેથી તે તરત જ બનાવની જગ્યાએ દોડી હતી અને ત્યાં લોહી નીંકળતી હાલતમાં જીજ્ઞેશને પડેલો જોયો હતો. આથી તાબડતોબ તેને સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો Chhattisgarh Crime News : પિતાએ પરિવાર પર કર્યો હુમલો, 18 વર્ષની દીકરીનું મૃત્યુ
ગુજરાન ચલાવતો: આ ઘટનામાં મૃત્યુ પામનાર મૃતક જીગ્નેશ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતો હતો. પોતાનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે તેમની પત્ની પણ મજૂરી કરે છે. જેમાં આ દંપતીને હાલ બે બાળકો હોવાનું પણ સામે આવ્યું છે. દારૂની બાતમી આપતા આવવાની શંકાએ એક પત્નીના પતિ તેમજ બે બાળકોના પિતાને મોતને ઘાટ ઉતારી દેતા બાળકો પિતા વિહોણા અને પત્ની પતિ વિહોણી થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચિરાગ ઉર્ફે લંગડો વિનુભાઈ પરમાર અને તેમના સાગ્રિત હર્ષદ મનસુખભાઈ ભટાણીયા નામના બે વ્યક્તિઓને સકંજામાં લીધા છે.
ભૂતકાળમાં પણ હુમલાઓ: રાજકોટના જેતપુરમાં હત્યાના અનેક બનાવો ભૂતકાળની અંદર પણ સામે આવ્યા છે. જેમાં અગાઉ પણ પોલીસને બાતમી આપતા હોવાની શંકાએ ભૂતકાળમાં પણ હુમલાઓ થઈ ચૂક્યા છે. ત્યારે જેતપુર શહેરની અંદર બેફામ બુટલેગરો અને વ્યાજખોરોનો અત્યંત આતંક હોવાનું પણ સ્થાનિકો જણાવે છે.પરંતુ આ બધા પર પોલીસની મીઠી નજર હોય અથવા તો પોલીસની રહેમદિલી હોય તેમજ પોલીસની સંપૂર્ણ રજામંદીથી આ બધું ચાલતું હોય તેવું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું છે.
ગુનાહિત ઇતિહાસનો ગ્રાફ: જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી બેફામ ચાલતા આવા દારૂ જુગારના વેપલાને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલની પણ રેડ પડી ચૂકી છે છતાં પણ કાયદો કડક રીતે અમલ કરાવી શકે તેવા કોઈ દમદાર અધિકારી જ નથી કે આવતા નથી આને કડક કામગીરી કરતા નથી તેવું પણ સ્થાનિકો જણાવે છે. ત્યારે જેતપુરનો ગુનાહિત ઇતિહાસનો ગ્રાફ ક્યાં સુધી અને કેટલો ઊંચે પહોંચશે તે પણ કહી શકાય તેવું નથી કારણ કે ગુન્હાઓ કરવાનો અને કાયદાનો ડર ન હોવાનો સિલસિલો ખુબ વધતો માલુમ પડ્યુ છે. ત્યારે અહીંયા કોઈ કડક અધિકારી કાયદાનો ડર બેસાડશે કે કેમ તે તો આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે. ત્યારે વધુ એક દિનદહાડે થયેલ હત્યાએ કાયદાની કથળી સ્થિતિનો વાસ્તવિક અરીસો બતાવ્યો છે.