રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી છે. જેને લઈને લોકડાઉન કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાત સહિતના રાજ્યોમાં પરપ્રાંતિયો હાલ મોટી સંખ્યામાં ફસાયા છે અને તેઓ લોકડાઉન સમય પોતાના વતનમાં જવાની માંગ કરી રહ્યા છે. આ અંગે રાજકારણ ગરમાયું છે.
હાલ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપ કરાઈ રહ્યા છે કે, શ્રમિકો પાસેથી સ્પેશિયલ ટ્રેનની ટિકિટના રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જેને લઈને કોંગ્રેસના સોનિયા ગાંધી દ્વારા દેશભરના શ્રમિકો માટે જે સ્પેશિયલ ટ્રેનમાં ચુકવવામાં આવતું ભાડું કોંગ્રેસ ઉઠાવશે તેવી જાહેરાત કરાઈ છે. જેને લઈને રાજકોટ કોંગ્રેસ દ્વારા જે રાજકોટના પરપ્રાંતિયો છે તેમની યાદી તૈયાર કરીને જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોંગ્રેસની સ્પેશિયલ ટ્રેન મામલે કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવતા સોમવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને મહેશ રાજપૂત કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આ મામલે રજુઆત કરી હતી.
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, તેમના દ્વારા શ્રમિકોની યાદી તૈયાર કરીને તેમને પોતાના વતનમાં મોકલવા માટે ટિકિટના પૈસા પણ ચૂકવવાના છે તેમજ આ શ્રમિકો માટે ટ્રેન ફાળવવામાં આવે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોંગ્રેસની માંગ નહીં સ્વીકારવામાં આવતા કોંગી આગેવાનો રોષે ભરાયાં હતા અને કલેક્ટર કચેરીમાં ધરણાં પર બેઠા હતા. જો કે કલેક્ટર ઓફિસમાં ધરણાં પર બેસતા પોલીસ દ્વારા તાત્કાલિક કોંગી આગેવાનોની અટક કરવામાં આવી હતી.