રાજકોટ : જિલ્લામાં વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહિયાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક કોટડા સાંગાણી પોલીસ તેમજ જીલ્લાની પોલીસની વિવિધ ટીમને ઊંઘતી રાખી રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં મહેન્દ્રસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં જુગારનો દરોડો પાડી 18 વ્યક્તિને 15 લાખની રોકડ મળી કુલ 94.33 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ફાર્મ હાઉસમાંથી દારૂ બિયરની બોટલો અને ટીન મળી આવતા પ્રોહિબિશનની અલગથી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ કાળા કામમાં અધિકારીઓનો સાથ હશે : ઉલ્લેખનીય છે કે, આવડી મોટી ક્લ્બ અધિકારીઓના આશીર્વાદ વગર ચાલે તે વાત કોઈપણ રીતે શક્ય ન બની શકે તે પણ એક હકીકત છે. ત્યારે આ માટે આગામી સમયમાં SMC ના દરોડાની કામગીરીની અસર પહોંચતા જિલ્લા પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સામે કાર્યવાહીના એંધાણ જરૂર જણાઇ રહ્યા છે. તે પણ હકીકત છે ત્યારે સ્થાનિક અને જીલ્લા પોલીસની સંપૂર્ણ મંજૂરી હોય તો જ આ પ્રકારની વૃતિઓ ચાલે તેવું પણ ભારે ચર્ચાઇ રહ્યું છે.
પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી : અહિયાં વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જિલ્લા પોલીસને ઊંઘતી રાખી જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં એક ફાર્મ હાઉસમાં જુગાર અંગેના દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય, DYSP કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. આર.જી. ખાંટ તથા તેમની ટીમે દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાં ફાર્મ હાઉસમાં મહેન્દ્રસિંહ જાડેજા પોતાના ફાર્મહાઉસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હતા. આ રેડ દરમિયાન રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, જસદણ, ઉપલેટા, જેતપુર સહીત વિસ્તારોમાંથી આવી 18 વ્યક્તિઓ મળી આવ્યા હતા જયારે 2 લોકો ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરી છે.
લાખોનો મુદ્દામાલ પકડાયો : કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજાના ફાર્મ હાઉસ પર દરોડા પાડી પોલીસે 18 વ્યક્તિને ઝડપી પાડી સ્થાનિક પોલીસને હવાલે કર્યા હતા. જેમાં પોલીસે આ દરોડામાં 12 પેકેટ ગંજીપાના, 15 લાખ રોકડા, 23 મોબાઈલ જેની સયુંકત રીતે કિંમત છે રૂપિયા 2.31 લાખ અને નિસાન ટેરોન તેમજ મારુતિ એસક્રોસ સહિત 6 વાહનો જેની કીમત રૂપિયા 77 લાખ મળી કુલ રૂપિયા 94.33 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત મુખ્ય એવા મહેન્દ્રસિંહ જાડેજાના કબ્જામાંથી બે વિદેશી દારૂની બોટલ તેમજ બે બીયરના ટીન મળી આવેલ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે આ બાબતની સાથે અહિયાં પ્રોહીબીશનની અલગથી ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
18 લોકોને પકડવામાં આવ્યા : આ રેડ દરમિયાન પોલીસે મુખ્ય એવા મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, અવધેશ પ્રવિણભાઈ સુચક, હરેશ મંગાભાઈ સોલંકી, શુભમ મુકેશભાઈ ગોસ્વામી, રોનક સુખરામભાઈ નિમાવત, ભાવેશ સુરેશભાઈ ઝીંઝુવાડીયા, સનદા કાનાભાઈ રાદડીયા, સોહિલ ઈશાકભાઈ ડેલા, હસમુખ જમાનાદાસ ટીલાવત, નીતિન બળદેવભાઈ પરમાર, કૃપાલસિંહ અભયસિંહ જાડેજા, જયંતિ રામાજીભાઈ ડોબરીયા, મુકેશ કરશનભાઈ ચુડાસમા, પોલા અરજણભાઈ ચાવડા, જયપાલસિંહ દાસુભા જાડેજા, રસીક પોપટભાઈ રૂપારેલીયા, દિનેશ કાનાજીભાઈ પટેલ અને કુલદીપસિંહ જલુભા જાડેજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટા માથા સામે આવવાની શક્યતાઓ : લોકોમાં શરૂ થયેલ ચર્ચાઓ અનુસાર અહિયાં આવડી મોટી ક્લ્બ સ્થાનિક અને જીલ્લા પોલીસના ઉચ્ચ અને મોટા અધિકારીઓના આશીર્વાદ વગર ચાલે નહીં તે વાત સત્ય છે. ત્યારે આગામી સમયમાં SMC ના દરોડાની કામગીરીની અસર પહોંચતા જિલ્લા પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સામે કાર્યવાહીના એંધાણ જરૂર જણાઇ રહ્યા છે. આ અગાઉ પ્રોહીબીશનની મોટી રેડ SMC દ્વારા કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારી કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નાના માછલાઓ આવી બાબતોનો સીકર બનતા હોય છે. ત્યારે અહિયાં જીલ્લાના અન્ય જવાબદાર અધિકારીઓ અને મોટી માછલીઓ સામે આજદિન સુધી કોઈપણ પ્રકારના પગલાં નથી લેવાય કે લેવાસે પણ નહીં તે પણ એક ખરી હકીકત છે.
પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા : આ રેડ બાદ મોટી માછલીઓ સામે નહીં પણ નાની માછલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના PSI બી. ડી. પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય બાંભવા, મહિપાલસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ જેઠવાને સસ્પેન્ડ કરી તમામ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ બધા માટે મુખ્ય બેદરકાર અથવા તો રજમંદી આપનાર સામે કોઈ તપાસ નહીં થાય તેવી પણ ચર્ચાઓ પોલીસ બેડામાં શરૂ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.