રાજકોટ: શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી શાળા નંબર 13 નજીક રહેતા મહમદશા જુસબશા શાહમદાર નામના પ્રૌઢને બે દિવસ પહેલા માથામાં ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રૌઢના પરિજનોને પલંગ પરથી પડી જવાના કારણે માથામાં પલંગનો ખૂણો વાગ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, પ્રૌઢને યોગ્ય સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. જેને લઈને તેમની બોડીનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવ્યા બાદ તેની દફનવિધિ કરવામાં આવી હતી.
બીજી તરફ પોલીસને પણ શંકા હતી કે પ્રૌઢનું મૃત્યુ આકસ્મિક નહી પણ હત્યા કરી હોવાનું હોઈ શકે છે. જ્યારે પીએમ રિપોર્ટમાં પણ સામે આવ્યું હતું કે, પ્રૌઢની માથાના ભાગે ઇજા થતાં મોત થયું છે. જેને લઈને પોલીસે પ્રૌઢના પુત્ર એવા હનીફને પૂછપરછ માટે બોલવામાં આવ્યો હતો. જેમાં પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના પિતાને તલવારના ઘા માથામાં મારીને હત્યા કરી હતી.
આ અંગે મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિએ મારા ભાઇઓ પાસેથી વધુ પૈસા લઇ આવવા કહી ઝઘડો કરી મને મારકુટ કરતાં મારો દિકરો હનિફ વચ્ચે પડતાં તેની સાથે પણ પતિએ ઝઘડો કરતાં હનિફે તલવાર મારી દીધી હતી. જેના કારણે મારા પતિનું મોત થયું હતું.
હાલ, પોલીસ દ્વારા પણ આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરશે.