રાજકોટઃ કોરોનાના કહેર અને લોકડાઉનના આકરા પાલન બાદ પણ હજુ જનજીવન થાળે પડયું નથી, ત્યાં છેલ્લા ત્રણ દિવસથી નિસર્ગ વાવાઝોડાને કારણે રાજકોટ પંથકમાં વરસાદી વાવાઝોડાથી પારાવાર નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યારે ગોંડલ જેતપુર હાઈવે પર આવેલું ગંગોત્રી સ્કુલનું બોર્ડ પડતા એક રાહદારીનું મોત નીપજ્યું હતું.
નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે ત્રણ દિવસના આકરા તાપ બાદ સાંજના સમયે વરસાદી વાવાઝોડું ફૂંકાયું હતું. ગુરૂવારે વરસેલા વાવાઝોડાએ શહેર તાલુકા પંથકમાં વ્યાપક તારાજી સર્જી હતી. ગોંડલ શહેરના બસ સ્ટેન્ડ, સ્ટેશન પ્લોટ, મોટી બજાર સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. બસ સ્ટેન્ડમાં વૃક્ષ પડતા મોટર સાયકલનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વરસાદી આંધીના પગલે નગરપાલિકાના ફાયર ફાઇટરો અને એમ્બ્યુલન્સ ચાલકોએ તાકીદે કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત અનેક વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજળીના બિલથી બચવા લોકોએ ઘરે સોલાર પેનલ ફીટ કરાવતા હોય છે. ઘણી જગ્યા એ વાવાઝોડામાં આ સોલાર પેનલો કાગળની માફક ઊડી રાજમાર્ગ પર પટકાઈ હતી.