રાજકોટ: પડધરી નજીક યુવતીની હત્યા કર્યા બાદ મૃતદેહને સળગાવી નાખ્યાંની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો હતો. ખામટા પાસેથી ખુલ્લી જગ્યામાં અર્ધ સળગેલું શરીર મળી આવ્યું હતું. મૃતદેહ આસપાસ સળગેલા લાકડા પણ પડ્યા હતા.
"રાજકોટ જિલ્લાના પડધરી નજીક યુવતીની હત્યા કરી મૃતદેહને સળગાવી નાખી હોવાની ઘટના સામે આવ્યું હતું. જેમ આ મામલામાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં બનાવ હત્યાનો હોવાનું સામે આવતાં તપાસ શરૂ કરી હતી."-- કે.જી. ઝાલા (નાયબ પોલીસ અધિક્ષક)
લોકોની યાદી મંગાવી: પોલીસે આસપાસના વિસ્તારમાંથી ગુમસુદા લોકોની યાદી મંગાવી અને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. અને એસ.ઓ.જી. ટીમ દ્વારા આસપાસના જિલ્લામાં જેટલી યુવતી ગુમ થઈ છે. એની યાદી મેળવી તપાસ આગળ વધારવામાં આવી હતી. જ્યારે અન્ય ટીમો રાજકોટ-જામનગર હાઇવે રોડ પરના સી.સી.ટી.વી. ખામટા ગામના સી.સી.ટી.વી. તપાસ કરી રહી હતી. જેમાં 15000 થી વધુ ગાડીઓની અવરજવર અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન કાળા કલરની હોન્ડા કંપનીની એકોર્ડ ગાડી અંગે તપાસ કરતાં ગાડી માલિક અન્ય હતો. પરંતુ આ કાર મેહુલ ચોટલીયા ચલાવતો હોવાનું સામે આવતાં પોલીસે તેને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં આવ્યું સામે: હત્યારા યુવક મેહુલ બેચરભાઈ ચોટલીયાના છૂટાછેડા થઇ ગયા બાદ છેલ્લા દોઢેક વર્ષથી તે અમદાવાદની યુવતી અલ્પા ઉર્ફે આઇશા મકવાણા સાથે રહેતો હતો. પિતાના સ્ટેટસ મુકવા, બહેનો સાથે મળવું, વાતચીત કરવી આ બધું અલ્પાને પસંદ ન આવતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અલ્પાએ તેને ઉશ્કેરાઈને બે લાફા મારતા મેહુલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ગુસ્સામાં આવેલ યુવકે યુવતીનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી.
હત્યારા વિરુદ્ધ અગાઉ પણ કેસ: પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન સામે આવ્યું કે હત્યારા વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ શહેર પોલીસમાં અલગ-અલગ 3 ગુના નોંધાઈ ચુક્યા છે.શંકાસ્પદ હાલતમાં મળેલ માનવ કંકાલના આ બનાવમાં હાલ પોલીસે હત્યારા યુવકના રિમાન્ડ મેળવી હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તેમજ હત્યા પાછળ બીજું કોઈ કારણ જવાબદાર છે કે કેમ? સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.