રાજકોટ: આગામી દિવસોમાં હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન લોકો મોટાભાગે એકબીજાને રંગો લગાવીને તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. કેટલીક જગ્યાએ તિલક હોલી કરવામાં આવતી હોય છે. આ હોળી અને ધૂળેટીના તહેવારને લઈને હવે ઓર્ગેનિક રંગો તરફ લોકો વળ્યા છે. એવામાં રાજકોટના વેપારી દ્વારા ઓર્ગેનિક કલર તૈયાર કરવામાં આવે છે. જે દેશના 10 જેટલા રાજ્યોમાં નિકાસ પણ થાય છે. જ્યારે હાલ તેની માંગમાં પણ ખૂબ વધારો થયો છે.
ઓર્ગેનીક કલરની માંગમાં વધારો: દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોના વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમે છેલ્લા પાંચ વર્ષથી ઓર્ગેનિક કલર બનાવવાનું કામ શરૂ કર્યું છે. જ્યારે અમે એવો હર્બલ કલર બનાવીએ છીએ કે તમે આ કલરને ખાઓ અથવા આ કલર તમારા નાક વડે શ્વાસમાં જાય અથવા તમારી સ્કિનને લાગે તો તેનાથી કોઈપણ જાતનો પ્રોબ્લેમ ઊભો થતો નથી. જ્યારે આ પ્રકારનો કલર સૌથી પહેલા અમે પોરબંદર ખાતે મોકલ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ આ કલર એટલે કે 400 ટન પોરબંદર જિલ્લામાં ગયો છે--ભાવેશભાઈ અઢિયા વર્ષોથી રંગોનો વ્યવસાય ( ETV સાથેની વાતચીતમાં)
ઓર્ગેનિક કલરની માંગ: ઓર્ગેનિક કલરની વાત કરવામાં આવે તો રાજકોટમાંથી દેશના અલગ અલગ 10 જેટલા રાજ્યોમાં ઓર્ગેનિક કલરની નિકાસ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને કલકત્તા, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આ કલર મોકલવામાં આવે છે. જ્યારે શ્રીનાથજીની હવેલી ખાતે અમે બે મહિના અગાઉ જ ઓર્ગેનિક કલર મોકલી આપીએ છીએ. જેમ જેમ લોકોમાં જાગૃતિ આવતી જાય છે. તેમ તેમ ઓર્ગેનિક કલરની માંગ પણ હોળી અને ધુળેટીના તહેવારોમાં વધતી જઈ રહી છે.
તૈયાર થાય છે ઓર્ગેનિક કલર: સામાન્ય રીતે ઓર્ગેનિક કલર બનાવવાની વાત કરવામાં આવે તો મકાઈનો લોટ અને ચોખાના લોટનું મિશ્રણ કરીને આ પ્રકારનો ઓર્ગેનિક કલર બનાવવામાં આવે છે. જ્યારે એમાં માત્ર પાણી જ મિક્સ કરવામાં આવે છે. ફૂડ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. ઓર્ગેનિક કલરમાં કોઈપણ જાતના કેમિકલ અથવા અન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેના કારણે ઓર્ગેનિક કલર શરીરની સ્કીનને નુકસાન કરતો નથી. તેમજ જો તે ભૂલથી ખવાય પણ જાય તો તે હાનિકારક નથી.