રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત આત્મીય યુનિવર્સિટીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થી ગંભીર રૂપે ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અકસ્માત બાદ કારચાલક સગીર વિદ્યાર્થી નાસી છૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો: સમગ્ર મામલે આત્મીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા રાહુલ બગડા નામના વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, ''તેઓ કોલેજના સમયે છૂટ્યા હતા અને ત્યારબાદ 4થી 5 મિત્રો પાર્કિંગમાં રહેલા તેમના બાઇકને લેવા માટે જઈ રહ્યા હતા, એવામાં સામેની તરફથી એક થાર ગાડી પુર ઝડપે આવી જેમાંથી વિશાલ મકવાણા નામના વિદ્યાર્થીને આ કાર ચાલકે અડફેટે લીધો હતો જેમાં તે ચારથી પાંચ ફૂટ દૂર ફંગોળાયો હતો. થારની ટક્કરે વિશાલને ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત સર્જી કાર ચાલક ફરાર: થાર કારની અડફેટે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીનું નામ વિશાલ મકવાણા છે, તેને માથાના અને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, અને આઠ જેટલા ટાંકા લેવા પડ્યા છે. જ્યારે અકસ્માત બાદ કારચાલક કાર લઈને નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટના દરમિયાન પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર વિદ્યાર્થી પણ આ જ કોલેજમાં અભ્યાસ કરે છે અને તે 15 વર્ષનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જ્યારે સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી કેમ્પસમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવ્યા બાદ ચર્ચાએ જોર પકડ્યુ છે.