રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે ઝવેરચંદ મેઘાણી સાહિત્ય એવોર્ડ અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીયપ્રધાન પુરષોત્તમ રૂપાલા અને સંત મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ તથા હેમુ ગઢવી એવોર્ડ એનાયત કરાયા હતા.
રૂપાલાએ આપી પ્રતિક્રિયા : આ પ્રસંગે મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીયપ્રધાન પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના લોકગીતો અને લોકવાર્તાઓ કથાકારોએ જીવંત રાખ્યા છે. કચ્છ ખાતે યોજાયેલ જી-20 સમિટની બેઠકમાં કચ્છી સાહિત્યકારોએ રજુ કરેલા સાહિત્ય અને નૃત્યને વિદેશીઓએ મન ભરીને માણ્યું હતું. ભારતીય સાહિત્યએ જ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોને લોકગીતો થકી જીવંત રાખ્યા છે.
આ પણ વાંચો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કથાકાર મોરારી બાપુએ મોટું નિવેદન આપી દીધુ
મોરારી બાપુના હસ્તે એનાયત થયો રોકડ પુરસ્કાર : જાણીતા સંત મોરારીબાપુએ ઝવેરચંદ મેઘાણી અને હેમુ ગઢવીને યાદ કરીને પંચતત્વો અને પાંચ વિદ્યાઓનો ઉલ્લેખ કરતાં બ્રહ્મવિદ્યાને ગગન સાથે આધ્યત્મ વિદ્યાને અગ્નિ સાથે યોગ વિદ્યાને વાયુ સાથે વેદ વિદ્યાને કર્મ અને લોકવિદ્યાની ભૂમિ સાથે સરખામણી કરી હતી. વધુમાં તેમણેે ઉમેર્યું હતું કે લોકવાર્તાઓ અને લોકગીતોના માધ્યમ થકી ભારતીય સંસ્કૃતિ જીવંત રહી શકી છે. આ પ્રસંગે ડો. ઇન્દુબેન વતી તેમના માનસ પુત્રી નીતાબેન પારેખને ઝવેરચંદ મેઘાણી સાહિત્ય એવોર્ડ, શાલ અને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર તેમજ લાખણશી ગઢવીને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ, શાલ અને એક લાખ રૂપિયા રોકડ પુરસ્કાર મોરારી બાપુના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતાં.
રસભરી લોકવાર્તાઓનું વિમોચન થયું : આ સમારોહની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોનું સુતરની આંટી પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ સ્વાગત ઉદ્દબોધન કર્યુ હતું.લોકસાહિત્યકાર કાનજી ભૂટા બારોટની પસંદગી પ્રાપ્ત લોક વાર્તાઓના રાજુલ દવેએ સંપાદન કરેલા પુસ્તક " રસભરી લોકવાર્તાઓ ”ની પ્રથમ આવૃત્તિ ઉપસ્થિત મહાનુભાવોના કરકમલો દ્વારા વિમોચિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવાદ મામલે મોરારીબાપુએ કર્યો કટાક્ષ
સાહિત્યકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા : ગુજરાત સરકાર સ્થાપિત ગુજરાત સાહિત્ય એકાદમી પ્રેરિત ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે ઝવેરચંદ મેઘાણી સાહિત્ય એવોર્ડ અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ લોકસાહિત્યના સંવર્ધન માટે આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, લોકગાયક હેમંત ચૌહાણ, મનુ બારોટ તેમજ બહોળી સંખ્યામાં સાહિત્યકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જે.એમ,. ચંદ્રવાડિયાએ કર્યું હતું.