રાજકોટઃ રાજ્યમાં જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. ત્યારે ઠેર ઠેર તેનો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જ્યારે આ કાંડમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર આ મામલે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. જ્યારે આજે રાજકોટમાં પેપર કાંડ મામલે NSUI દ્વારા પણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પદર્શન કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
કડક કાયદો બનાવવામાં આવશે: ધારાસભ્ય : રાજકોટ પશ્ચિમ બેઠકના ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે પેપર લીક મામલે જણાવ્યું હતું કે આ મામલે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ જે કોઈએ પણ આવી ગંભીર ભૂલ કરી છે તેની સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેવા નિર્દેશ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. જ્યારે આ મામલે સરકાર ખૂબ જ ગંભીરતાથી વિચારી રહી છે અને આના માટે કડક કાયદો પણ બનશે અને કડક કાર્યવાહી પણ થશે. વિધાનસભા ગૃહમાં આ ઘટના અંગે ચર્ચા કરવામાં આવશે તેનો જવાબ ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યો નહોતો.
NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું : જ્યારે પેપર લીક મામલે રાજકોટમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. જ્યારે આ મામલે NSUI દ્વારા મુખ્યપ્રધાનના રાજીનામાની પણ માંગણી કરી છે. તેમજ રદ થયેલી પરીક્ષા આગામી ત્રીસ દિવસમાં GPSC દ્વારા લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીક કાંડ મામલે રાજકોટ સહિતના વિસ્તારોમાં હાલ વિવિધ વિદ્યાર્થી સંગઠનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો Gujarat Junior Clerk Paper Leak: જુનિયર કલાર્ક પેપરલીકમાં અરવલ્લીના કેતન બારોટનું નામ આવ્યું સામે
શું બન્યું હતું : ગુજરાતમાં યોજાઈ રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટતા ઉમેદવારોની આશા પર પાણી ફેરવાયું છે. વડોદરાથી ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 15 આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત, બિહાર,ઓડીસામાં પેપર લિંક કનેક્શન સામે આવ્યું છે.ગુજરાતમાં સ્પર્ધાત્મક પેપર ફૂટવાનો સિલસિલો હજી જોવા મળ્યો છે. જેનાથી ગુજરાતમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટતા રદ કરવાની ફરજ પડી હતી. ઉમેદવારોમાં પેપર લીક થાય તે પહેલાં ગુજરાત એટીએસએ પેપર લીક કાંડના આરોપીને લીધો હતો. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે જુનિયર ક્લાર્કનું પેપર બરોડાથી કેટલાક શખ્સો લીક કરવાના ઇરાદે સોલ્વ કરી રહ્યા છે. જેથી બરોડામાં આવેલી સ્ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ કલાસ ખાતે ATSની ટીમ પહોંચી ગઇ હતી. જ્યાં પેપર લીક કરી રહેલા 15 જેટલા આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં હૈદરાબાદના સાયદરાબાદમાં આવેલા કે.એલ પ્રેસ પ્રિન્ટિંગમાં પેપર લીક થયું હોવાનું ખુલાસો થયો હતો.