રાજકોટઃ કોરોનાની મહામારી વચ્ચે સરકારની અનેક ગાઈડ લાઈન વચ્ચે વિદ્યાર્થીઓની સ્કૂલ ફી માફી અંગેનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. તેમ છતાં ખાનગી શાળા સંચાલકો કોરોનાને કારણે બંધ સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની સ્કૂલ ફી વસૂલવાનું યેનકેન પ્રકારે શરૂ કરેલુ છે. પરંતુ ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી અને રાવતબાપા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સમર્પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના સંચાલકોએ લાખો રૂપિયાની વિદ્યાર્થીઓની ફી માફ કરી છે. ત્યારે સમર્પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના સંચાલકોએ પોતાની સ્કૂલમાં અભ્યાસ કરતા 850 જેટલા વિદ્યાર્થીઓની જૂન, જુલાઈ, ઓગસ્ટ સહિતની રૂપિયા 17 લાખ જેટલી વિદ્યાર્થીઓની ફી માફ કરી છે.
સમર્પણ સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓની ફી માફ કરીને એક અનોખું ઉમદા ઉદારણ પુરુ તો પાડ્યું છે, તેમ છતાં કોરોનાકાળથી આજ દિવસ સુધીના અનલોકમાં પણ બંધ સ્કૂલની સાથે વિદ્યાર્થીઓને ઓનલાઈન જૂથ એપ્લીકેશન શિક્ષણ, લીથો મારફત લેખિત શિક્ષણ આપીને એક વિદ્યાર્થીઓની કેળવણીનું અનોખું ઉદારણ આપ્યું છે.
ગોંડલ એટલે કેળવણી પ્રિય રાજવી મહારાજા સર ભગવતસિંહજીનું ગોંડલ રાજવીકાળમાં પણ સર મહારાજા સર ભગવતસિંહજીએ ફરજીયાત કન્યા કેળવણીનો અમલતો કરાવ્યો છે, ત્યારે વર્તમાન કોરોનાના કપરા સમયમાં દરેક લોકોની હાલત કફોડી થઈ છે. તેમ છતા ખાનગી સ્કૂલ સંચાલકોની ફી વસૂલવાની મનમાની વચ્ચે ગોંડલની સમર્પણ સ્કૂલે વિદ્યાર્થીઓની લાખોની ફી માફી સાથે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આનંદ છવાયો છે.