- સવારના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત
- કાર અને ટેમ્પો વચ્ચે રાત્રે સર્જાયો અકસ્માત
- અકસ્માતનું મુખ્ય કારણ ગોંડલ યાર્ડમાં ટ્રાફિકની સમસ્યા
રાજકોટ: સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટયાર્ડમાં કોઈપણ જણસની આવક શરૂ થાય ત્યારે યાર્ડની બહાર વાહનો ખડકી દેવામાં આવે છે. જેને લઈને ગુંદાળા ચોકડીથી થોડે દૂર એક જ દિવસમાં 2 અકસ્માતની ઘટના સામે આવી હતી. વહેલી સવારના ભાગે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જ્યારે રાત્રે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. અકસ્માતનું મુખ્ય કારણ ગોંડલ યાર્ડમાં જણસની આવક સમયે ટ્રાફિકની સમસ્યા છે. વાહનો પલટી ખાઇ જતા અવારનવાર અકસ્માત સર્જાય છે.
અકસ્માતમાં કાર બળીને ખાખ
ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવકને લઈને વાહનોની હાઇવે પર લાંબી લાઈનો લાગી હતી. જ્યારે ડુંગળી ભરેલું ટ્રેક્ટર કાર પર પલટી મારી જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. અકસ્માત થતાં જ કાર સળગી ઊઠી હતી અને કારચાલક સમયસર બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં ગોંડલ ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે અકસ્માતનું મુખ્ય કારણ ગોંડલ યાર્ડમાં જણસની આવક સમયે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય એ છે.
સ્થાનિકોની ટ્રાફિક પોલીસ રાખવાની માગ
ગોંડલ-જેતપુર હાઇવે પર અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોએ અવરનવાર માગ કરી છે કે, યાર્ડમાં જણસની આવક સમયે ટ્રાફિક-પોલીસ રાખવામાં આવે જે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સંભાળે. જેને લઈને હાઇવે પર થતા અકસ્માત ટાળી શકાય છે. જ્યારે હાલ આ અકસ્માતને લઈને ગોંડલ પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.