ગોંડલ શહેરમાં ચૂંટણીની સિઝન પૂરી થયા બાદ ચોરે અને ચોકે ડેઇલી બચતના એજન્ટ દ્વારા કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યાની જ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે, શહેરના માલવિયાનગર સોસાયટીની આસપાસ રહેતા અને છેલ્લા ઘણાં વર્ષોથી શહેર તાલુકામાં ડેઈલી બચતનું કામ કરતા એજન્ટ દ્વારા આશરે પાંચ કરોડથી પણ વધુની રકમનું ફૂલેકું ફેરવવામાં આવ્યું છે.
રાજસ્થાનની કોઈ કંપની દ્વારા ક્રેડિટ કૉઓપરેટીવ સોસાયટી નામે બ્રાન્ચ શરૂ કરવામાં આવી હતી. જેમાં ડેઇલી બચતનો આદર્શ ચહેરો ગણાતા અને બેટરી ગ્લાસના નામે પ્રખ્યાત એજન્ટ દ્વારા ગ્રાહકોને અંધારામાં રાખી રોજિંદા ડેઇલી બચતનું કલેક્શન કરવામાં આવી રહ્યું હતું. આ એજન્ટ દ્વારા લોકોને સરકારી યોજનામાં રોકાણ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું હતું. વાસ્તવમાં તે સરકારી યોજનામાં રોકાણ કરતો ન હતો અને આખરે ભાંડો ફૂટી જતાં રાતોરાત શહેર છોડી ભાગી જતા હજારો લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ડેઇલી બચતમાં છેતરાયેલા ઘણા લોકો એકઠા થવા લાગ્યા છે અને હાલ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે, તેમાંથી કેટલાક ગ્રાહકોએ જણાવ્યું હતું કે આ એજન્ટ દ્વારા જો કોઈ કસ્ટમર રૂપિયા 10 હજારની ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝીટ કરાવે તો 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન ગિફ્ટમાં આવશે તેવું જણાવતો હતો.